લોગવિચાર :
બંગલાદેશના અશાંત માહોલને જોતાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ શિફટ થયેલા મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની આજથી શરૂઆત થશે. ૧૦ ટીમો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું એ તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર હશે. અત્યાર સુધીમાં ૯ વાર આયોજિત આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ છ વખત ખિતાબ જીત્યો છે. એ છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી ચેમ્પિયન પણ છે. ઇંગ્લેન્ડ (૨૦૦૯) અને વેસ્ટ ઇન્ડીઝ (૨૦૧૬) એક-એક વાર ચેમ્પિયન બન્યું છે.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ અને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હરમનપ્રીત ૨૦૧૮થી ટીમનું નેતૃત્વ કરી રહી છે અને આ વખતે તેના પર દબાણ રહેશે, કારણ કે જો ટીમ નિષ્ફળ જશે તો તેણે તેની કેપ્ટન્સી ગુમાવવી પડી શકે છે.
પાકિસ્તાનની બાવીસ વર્ષની ફાતિમા સના આ વર્લ્ડ કપની યંગેસ્ટ કેપ્ટન છે અને તે પહેલી વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરતી જોવા મળશે.
ઉંમર અને ટી-૨૦ મેચ રમવા મામલે હરમનપ્રીત કૌર આ વર્લ્ડ કપમાં સૌથી અનુભવી કેપ્ટન છે. ૩૫ વર્ષ ૨૦૮ દિવસની ઉંમર ધરાવતી પંજાબની હરમનપ્રીત પાસે સૌથી વધુ ૧૭૩ ટી-૨૦ મેચ રમવાનો અનુભવ છે. ઓસ્ટ્રેલિયાની ૩૪ વર્ષની એલિસા હીલી પાસે ૧૫૯ ટી-૨૦ મેચ રમવાનો અનુભવ છે. ઓસ્ટ્રેલિયાની નજર ચોથી વાર ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા પર હશે, જયારે ભારતની નજર પહેલી વાર વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા પર રહેશે.
૧૬ દિવસમાં ૨૩ મેચ રમાશે
ગ્રુપ Aમાં ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યુ ઝીલેન્ડ, શ્રીલંકા અને ગ્રુપ Bમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, બંગલાદેશ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝની ટીમને એન્ટ્રી મળી છે. ત્રીજીથી ૧૫ ઓકટોબર વચ્ચે ૧૦ ટીમો વચ્ચે ગ્રુપ-સ્ટેજીની ૨૦ મેચ રમાશે. ટોપ-ફોર ટીમો વચ્ચે ૧૭ અને ૧૮ ઓકટોબરે સેમી ફાઇનલ મેચ રમાશે. ૨૦ ઓકટોબરે આ ટી-૨૦ વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ નક્કી થશે.