લોગવિચાર :
ગુજરાતમાં બોકસીંગ રીંગમાં બનેલી એક કરૂણ ઘટનામાં 19 વર્ષના સુરતના બોકસર કરણ પીપળીયા સ્પર્ધા સમયે જ રીંગમાં ઢળી પડયા બાદ તેનું મૃત્યુ થયું હતું. મહેસાણા ખાતે ગુજરાત સ્ટેટ બોકસીંગ ચેમ્પિયનશીપ યોજાઇ રહી છે જેમાં આ ટીનેજર બોકસરને હેમરેજ થઇ હતી અને બોકસીંગ રીંગમાં જ તે ઢળી પડયા હતા.
જે બાદમાં તેમને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતા સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદમાં તેમને સુરત લઇ જતા સમયે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.
તબીબોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં જ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા અને તે સમયે તે બ્રેઇન ડેડ જેવી હાલતમાં હતા અને કુટુંબીજનોએ આ ટીનેજરને ગંભીર સ્થિતિમાંથી ઉગારવા માટે હોસ્પિટલમાં વિનંતી કરી હતી. પરંતુ તે સફળ રહ્યા ન હતા.
બોકસીંગ રીંગમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પણ કરણના પિતા ભરત પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે સ્પર્ધા સ્થળે એમ્બ્યુલન્સ નહીં હોવાથી ખાનગી કારમાં તેના પુત્રને હોસ્પિટલ ખસેડવો પડયો હતો અને તે સમય ગયો તેમાં તેની હાલત વધુ ખરાબ થઇ હતી. તેમણે આક્ષેપ કર્યો કે 150 જેટલા સ્પર્ધકો બોકસીંગ જેવી ગંભીર સ્પર્ધામાં ભાગ લેતા હોય તે સમયે પણ ત્યાં એક જ એમ્બ્યુલન્સ હતી તે પણ વ્યસ્ત હતી.
તેથી જ મારા પુત્રને ખાનગી કારમાં લઇ જવો પડયો હતો. તેમણે કહ્યું કે, મારો ચિરાગ બુઝાઇ ગયો બીજા કોઇનો બુઝાઇ જાય નહીં તે ચિંતા કરવી જોઇએ. તેના માતાનો આક્ષેપ છે કે બોકસીંગ રીંગમાં ઢળી ગયા બાદ 90 મીનીટ બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. તેને બપોરે ર.30 વાગ્યે ઇજા થઇ પણ તેને 4 વાગ્યે હોસ્પિટલે લઇ જવાયો હતો.