લોગ વિચાર :
ખુબસુરતી અને મજબૂત કદકાઠી ધરાવતા ગધેડાનું કદ ઘોડાથી પણ વધારે હોવાની વાત સહેલાઇથી ગળે નહીં ઉતરે. પણ લુપ્ત પ્રાય થવાના આરે પહોંચી ચૂકેલ હાલારી નસલના ગધેડાની ઉપયોગીતા આ માન્યતાને તોડી રહી છે.
કદકાઠી મજબૂત હોવાના કારણે તેની કિંમત એક લાખ રૂપિયાથી વધારે છે. આ નસલના ગધેડાઓ દેશભરમાં માત્ર ૪૩૯ જ બચ્યા છે. તેમાંથી લગભગ ૧૦ ટકા (૪૩) બીકાનેરના રિસર્ચ સેન્ટરમાં છે. સામાન્ય નસલના ઘોડા કરતા અનેક ગણી કિંમત આપવા છતાં આ ગધેડા નથી મળતા. એ જ કારણ છે કે હાલારી નસલની ગધેડીના માલિક તેના ગર્ભધારણ કરવા પર ગોદભરાઇની રસમ પણ કરે છે.
આ નસલને બચાવવા માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ગુજરાતના ભુજ અને રાજસ્થાનના રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર બિકાનેરમાં પ્રોજેકટ શરૂ કર્યા છે. આ બન્ને સેન્ટરો સમન્વયથી કામ કરી રહ્યા છે.
આ સફેદ રંગના ગધેડા જોવામાં સુંદર પણ હોય છે. ગધેડાઓની અન્ય નસલોની સરખામણીમાં હાલારી નસલની માદાનું દુધ બજારમાં અનેક ગણા વધારે ભાવે વેચાય છે. આ દુધનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવા અને ચામડીના રોગોની સારવાર માટે થાય છે. વિદેશોમાં આ દુધની માંગ બહુ વધારે છે. એક માદા એકથી સવા કિલો દુધ આપે છે. આ દુધની કિંમત પ થી ૭ હજાર રૂપિયા પ્રતિ કિલો હોય છે.