તામીલનાડુમાં એલિયનનું મંદિર: પૂજા - અર્ચના અને આરતી પણ થાય છે

લોગ વિચાર :

‘શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર.’ માતરીસાહેબે આ શેરમાં આસ્થા રાખવા માટે પુરાવાની જરૂર ન હોવાનું કહ્યું છે, પરંતુ તામિલનાડુના સાલેમ જિલ્લા સ્થિત મલ્લામુપંબટ્ટી ગામમાં આસ્થાનો અતિરેક ગણી શકાય એવું થયું છે.

અહીં રહેલા લોગનાથને ગામમાં પરગ્રહવાસી એલિયનનું મંદિર બંધાવ્યું છે. લોગનાથન દરરોજ પોતાના એલિયન પ્રભુની પુજા-અર્ચના અને આરતી કરે છે. તેમનું માનવું છે કે આફતોને રોકવાની શક્તિ માત્ર ને માત્ર એલિયન્સ પાસે જ છે. 2021માં લોગનાથને પોતાના ગુરુ સિદ્ધભાગ્યની સમાધિ પાસે મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું અને હજી પણ ચાલી રહ્યું છે.

અત્યાર સુધી કયાંય જોયું કે, સાંભળ્યું ન હોવાથી અનેક ‘શ્રદ્ધાળુઓ’ એલિયનના મંદિરે આવે છે. મંદિર બંધાવ્યું ત્યાં સુધી તો ઠીક, પણ લોગનાથનભાઈ તો કહે છે કે એલિયન સાથે પોતે વાત પણ કરે છે.

એલિયનની મંજુરી લઈને જ આ મંદિર બંધાવ્યું છે. એલિયન તમામ ઈચ્છા પુરી કરે છે. બસ તમારે એલિયનના અસ્તિત્વ પર પ્રામાણિકતાથી વિશ્વાસ મુકવો પડશે. પછી માત્ર બાવીસ મિનિટનું ધ્યાન ધરશો તો મનોકામના પુરી થઈ જશે. તમારી પણ કોઈ ઈચ્છા પુરી ન થતી હોય તો એક વાર જઈ આવજો એલિયન પ્રભુનાં દર્શન કરવા.