સગપણોનો ઘેરાવો ઘટી રહ્યો છે

ભગવતીકુમાર શર્મા

એમ લાગી રહ્યું છે કે ભારતમાંથી કેટલાંક જમાનાજૂનાં સગપણો આવતાં થોડાંક વર્ષોમાં લગભગ નામશેષ થતાં જશે. ખાસ કરીને જે લોકો સંતતિનિયમનનું પાલન કરે છે અને કરશે તેઓના સંબંધમાં આવું બની શકે તેમ છે.

ભારત એટલે ઢગલાબંધ સગપણોનો દેશ. આપણે માત્ર હિન્દુ પ્રજાનો વિચાર કરીએ તોય આ વાત સ્પષ્ટ થશે. કુટુંબો જ્યારે બહોળાં અને સંયુક્ત હતાં ત્યારે સગપણોનો તો જાણે રાફડો ફાટેલો રહેતો. એક દંપતીને ધારો કે ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ હોય તો પછી કલ્પી લો સગપણના હકડેઠઠ મેળાને! આ જ સ્થિતિ કુટુંબના બીજા કેટલાક સભ્યો પરત્વે પણ પ્રવર્તતી હોય. કેટલાક લોકો લાંબું પણ જીવે. પરિણામ સ્વરૂપ એક કુટુંબમાં વડદાદા, વડદાદી, દાદા, દાદી, કાકા, કાકી, ફોઈ, ફુવા, માસી, માસા, મામા, મામી, ભાઈ, બહેન, ભત્રીજા, ભત્રીજી, ભાણા, ભાણી, સાળા, સાળી, બનેવી, સાઢુભાઈ, નણંદ, નણદોઈ, સાળા, બનેવી, જેઠાણી, દેરાણી, કાકાસસરા, કાકીસાસુ, મામાસસરા, મામીસાસુ, ફોઈસાસુ, ફુવાસસરા, માસીસાસુ, માસાસસરા, પિતરાઈ, એમ સંખ્યાબંધ સગપણોની ભરમાર જામે.

સાસરા, પિયર, મોસાળ, પિતૃગૃહ વગેરેમાં પથરાયેલાં સગપણો અને એ સગપણોમાં સગપણોનો વિચાર કરીએ તો આખું વસતિપત્રક બનાવવું પડે તેવી ત્યારે સ્થિતિ હતી! ઘરમાં નાનકડો પ્રસંગ હોય અને માત્ર સગાંઓને જ તેડવાનાં હોય તોય પોણોસો-સો માણસો તો ચપટી વગાડતાંમાં થઈ જાય એવી ત્યારની વાસ્તવિકતા હતી. તેના મૂળમાં બહોળાં અને સંયુક્ત કુટુંબો ઉપરાંત સગાંઓને મહત્ત્વ આપવાની રીતિ પણ કારણભૂત હતી. ત્યારના લોકોની દુનિયા મોટે ભાગે જ્ઞાતિ અને સગાંસંબંધીઓમાં જ સમાઈ જતી હતી. હવે તો લોકોનો સંબંધ-પટ ઘણો વિસ્તર્યો છે. જ્ઞાતિ તેમાં ગૌણ સ્થાને છે. સગપણોનો ઘેરાવો ઘટી રહ્યો છે.

હવે સ્થિતિમાં મોટું પરિવર્તન આવતું જાય છે. શિક્ષિત અને મધ્યમથી ઉચ્ચ વર્ગનાં સ્ત્રીપુરુષોએ વ્યાપક પ્રમાણમાં કુટુંબનિયોજન અપનાવવા માંડયું છે. પરિણામે કુટુંબોનાં કદ ઘટતાં જાય છે. સંયુક્ત કુટુંબો પણ ભૂતકાળની બાબત બની રહ્યાં છે. અને વિભક્ત કુટુંબો વધી રહ્યાં છે. આજે પ્રજાના આ વર્ગોમાં સ્થિતિ એવી છે કે એક દંપતીને એક દીકરો અને એક દીકરી હોય તો તે ઉત્તમ સ્થિતિ લેખાય છે. ઘણાં દંપતીઓ માત્ર એક દીકરાથી સંતોષ માને છે. તેથી આગળ વધીને કેટલાંક યુગલો પહેલી પુત્રી જન્મે તો સંતોષ માની વધુ સંતાનોને પેદા થવા દેતાં નથી. ‘બાળક બિલકુલ જોઈએ જ નહિ' એવા વિચારનું પણ થોડાંક દંપતીઓ પાલન કરવા લાગ્યાં છે. આ કાર્યને પરિણામે આપણાં કુટુંબચિત્રો સમૂળગાં બદલાઈ રહ્યાં છે અને હજી બદલાશે.

અંગત ઉદાહરણ આપીને વાત કરું. મારી નાની દીકરી રુચિરાને સંતાનમાં માત્ર એક દીકરો છે અને તેનાથી તેને તથા તેના પતિ ચન્દ્રાલભાઈને પૂરો સંતોષ છે. દીકરા ભૌમિકની ઉંમર હાલ સોળ વર્ષની છે. તેને ન કોઈ ભાઈ છે, ન બહેન છે કે હોવાની સંભાવના છે. આ ભૌમિક જ્યારે યુવાન થઈ લગ્ન કરશે અને તેની પત્નીને એક કે બે સંતાનો જન્મશે ત્યારે એ સંતાનોને કોઈ સગાં કાકા, કાકી, ફોઈ, ફુવા નહિ હોય!

આ સ્થિતિ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે તેને કારણે આપણા કુટુંબજીવનમાંથી ભવિષ્યે સંખ્યાબંધ સગપણોનો છેદ ઊડી જશે.

અંગ્રેજી ભાષામાં પણ શબ્દો સગપણોને સંદર્ભે મહત્ત્વના છે : (૧) અન્કલ, (૨) આન્ટ અને (૩) ઈન લોઝ. આ

ત્રણ શબ્દોની ચાદર હેઠળ અનેક સગપણો આવરાઈ જાય છે. “અન્કલ” એ એક શબ્દમાં કાકા, મામા, ફુવા, માસા બધું

જ આવી જાય. ભેદ સ્પષ્ટ કરવો હોય તો વાતમાં 'પેટર્નલ અંકલ' અને 'મેટર્નલ અંકલ' શબ્દો વપરાય!

તેવું જ 'આન્ટ” કે “આન્ટી' પરત્વે! તેમાં કાકી, મામી, ફોઈ, માસી, મમ્મીની બહેનપણી બધું આવી જાય!

ગુજરાતી શબ્દ “સાસરિયાં'નો અંગ્રેજી પર્યાય ભલે 'ઈન લોઝ' પ્રયોજાય, પણ તે પૂરતો નથી. ખરો ગોટાળો તો ‘બ્રધર ઈન લો” શબ્દને કારણે થઈ શકે! “બ્રધર ઈન લો” એટલે શું સમજવું: સાળો કે બનેવી?! થોડાક સમય પહેલાં આ સંદર્ભમાં એક ખરેખરો ગોટાળો પણ થયો હતો. કુખ્યાત ચંદનચોર વીરપ્પને પ્રસિદ્ધ કન્નડ ફિલ્મ અભિનેતા રાજકુમારને ત્રણેક મહિનાની અટકાયત પછી છોડી મૂક્યા ત્યારે રાજકુમારની સાથે તેમના ‘બ્રધર ઇન લો'નો પણ છુટકારો થયો હતો. આ સમાચારના તાર ન્યુઝ એજન્સીઓએ ટેલિપ્રિન્ટર પર અંગ્રેજીમાં ક્રીડ કર્યા ત્યારે મુક્ત થયેલ વ્યક્તિનો ઉલ્લેખ “રાજકુમાર્સ બ્રધર ઈન લો” તરીકે કર્યો જે સ્વાભાવિક હતું, પરંતુ કેટલાંક ગુજરાતી અખબારોન સમાચાર-અનુવાદકો વિમાસણમાં પડ્યા : 'બ્રધર ઈન લો'નો ગુજરાતી તરજૂમો શો કરવોઃ “સાળો” કે “બનેવી?

છૂટ્યો શખ્સ રાજકુમારનો સાળો થતો હતો કે બનેવી? એક ગુજરાતી અખબારે કમાલ કરી! સમાચારના હેડિંગમાં લખ્યું: “રાજકુમારના સાળા અથવા બનેવીની પણ થયેલી મુક્તિ” અંગ્રેજી ભાષાની શબ્દોની મર્યાદાનું આ પરિણામ, બીજું શું?

મારા દોહિત્ર ભૌમિકનું લગ્ન ભવિષ્યે જો એવી યુવતી સાથે થશે કે જેને કોઈ ભાઈ-બહેન નહિ હોય તો ભૌમિક સાળા-સાળીના સગપણના લહાવાથી વંચિત રહી જશે! અને એની પત્નીને પણ દિયર-દેરાણી, ભત્રીજા-ભત્રીજી જેવાં સગપણોથી વંચિત રહેવું પડશે!

અરે, પણ મારે મારી પોતાની જ વાત કરવી જોઈએ. મારાં માતાપિતા અને સાસુસસરાના જમાનામાં “કુટુંબનિયોજન' શબ્દ જરાય પ્રચલિત ન હતો, છતાં જોગાનુજોગ હું અને મારી પત્ની બંને પોતપોતાનાં માબાપનું એકમાત્ર સંતાન! આથી અમને બંનેને ભાઈબહેન અને તેના સરવાળા-ગુણાકારમાંથી સર્જાતાં સગપણોનો કશો અનુભવ નહિ! મારે બે ફોઈઓ હતી, પણ તે તો મારા જન્મ પહેલાં મૃત્યુ પામી હતી. મારે બે માસીઓ હતી, પણ તેઓનાં પણ વહેલાં મૃત્યુ થઈ ગયેલાં હતાં. મારે મામામામી અને તેઓનો પરિવાર હતો, પરંતુ તેઓ સાથેના અમારા કૌટુંબિક સંબંધો કશાંક કારણસર મારા બાળપણમાં જ કપાઈ ગયેલા હતા. મારે કાકાકાકી અને તેઓનાં સંતાનો ખરાં, પરંતુ મારાં સંતાનોને તો તેવાં સગપણોનો પણ અભાવ!

આ સર્વને પરિણામે એક સાહિત્યસર્જક તરીકેનો મારો મુખ્ય અનુભવ નિતાંત એકલતાનો છે અને તે મારી સાહિત્ય રચનાઓમાં અવારનવાર પ્રતિબિંબિત થાય છે.

મારા બાળપણમાં એકાકી, નિઃસંગ વ્યક્તિઓ ઘણી જૂજ હતી. દાખલા તરીકે મારા એક પાડોશી વડીલનાં પત્નીએ કુલ ઓગણીસ વાર ગર્ભ ધારણ કર્યો હતો! અને આ માંડ સાઠેક વર્ષ પહેલાંની વાત છે! નજીકના અને દૂરના ભવિષ્યમાં માનવીઓની એકલતાની અનુભૂતિ વધતી જશે.