ડો. મનમોહન સિંહના નિધન પર દેશ શોકમાં

લોગવિચાર :

દેશના આર્થિક ઉદારીકરણ તથા આધુનિક અર્થતંત્રના ઘડવૈયાની ઉપમા મેળવનાર પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના ગઈકાલે થયેલા નિધન પર આજે પુરો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. એક સનદી અધિકારીથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચીને વિકાસ તથા સમૃદ્ધિ સર્જનમાં મોટુ યોગદાન આપનાર શ્રી સિંહ 92 વર્ષના હતા

તેઓને ગઈકાલે તેમના નિવાસસ્થાને વૃદ્ધત્વ સંબંધી સમસ્યાઓ વધતા તુર્તજ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ખસેડાયા હતા પણ તબીબી સારવાર કારગત નિવડી ન હતી અને શ્રી સિંહે અંતિમ વિદાય લીધી હતી.

શ્રી સિંહને એઈમ્સ ખાતે દાખલ કરાયાના ખબર મળતા જ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી તુર્તજ એઈમ્સ પહોંચી ગયા હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય શ્રી રાહુલ ગાંધી તેમનો કર્ણાટક પ્રવાસ ટુંકાવીને દિલ્હી પરત આવ્યા હતા તથા કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લીકાર્જુન ખડગે સહિતના નેતાઓ પણ શ્રી સિંહના નિધનના ખબર મળતા જ દિલ્હી પહોંચ્યા હતા.

આજે સવારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસે રખાયો હતો જયાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ પહોંચીને ડો. સિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલી આપી હતી તથા શ્રી સિંહના કુટુંબીજનોને સાંત્વના પણ આપી હતી.

શ્રી મનમોહનસિંહના નિધન પર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને રાષ્ટ્રપતિ ભવન તથા સંસદ ભવન સહિત તમામ સરકારી અને અર્ધસરકારી સહિતની ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આજે તથા આવતીકાલના તમામ સતાવાર સરકારી કાર્યક્રમો રદ કરાયા છે.

ગુજરાત સહિત તમામ રાજયોમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો આજે સુરેન્દ્રનગરનો કાર્યક્રમ પણ રદ થયો છે. શ્રી મનમોહનસિંહના પાર્થિવ દેહને આજે તેમના નિવાસે રખાશે અને ત્યાં કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શ્રદ્ધાંજલી આપશે.

આવતીકાલે સવારે તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ વડામથક ખાતે રખાશે અને ત્યાં પણ આમ જનતા તેમને શ્રદ્ધાંજલી આપી શકશે. કાલે પુરા રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરાશે જેનો સતાવાર કાર્યક્રમ હવે જાહેર થશે.

તેમની બુદ્ધીમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદીની શ્રદ્ધાંજલી
પુર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના નિધન પર એકસ પર પોષ્ટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખ્યુ કે ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાં એક ડોકટર મનમોહનસિંહના નિધન પર શોક અનુભવુ છું.

શ્રી મોદીએ ડો. સિંહ સાથેના તેમની અનેક તસ્વીરો શેર કરતા લખ્યુ કે સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને તેમાં એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદા પર રહ્યા અને વર્ષો સુધી આર્થિક નીતિ પર તેઓએ ઉંડી છાપ છોડી હતી. સંસદમાં પણ તેઓ ખૂબ વ્યવહારુ હતા.

આપણા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબજ પ્રયાસો કર્યા હતા.
શ્રી મોદીએ લખ્યુ કે ડો. મનમોહનસિંહ અને હું નિયમીત રીતે વાત કરતા હતા. તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિષયો પર ઉંડી ચર્ચા કરતા હતા તેમની બુદ્ધીમતા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડો. મનમોહનસિંહજીના પરિવાર અને તેમના અસંખ્ય ચાહકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.