લોગવિચાર :
દેશમાં 70 વર્ષ કે તેથી ઉપરના તમામ નાગરિકો માટે આવકની કોઇ મર્યાદા વગર આયુષ્યમાન કાર્ડ હેઠળ તબીબી સારવાર ઉપલબ્ધ બનાવવાના મોદી સરકારના નિર્ણય બાદ હવે સરકાર ટૂંક સમયમાં જ સિનિયર સીટીઝન પોલીસી લાવી રહી છે અને 2007માં દાખલ કરાયેલો સીનીયર સીટીઝન એક્ટ પણ સુધારવામાં આવશે.
સરકાર સીનીયર લીવીંગ ઇન્ડિયા નામે એક એસોસીએશન પણ બનાવશે અને ટાસ્ક ફોર્સ રચીને સીનીયર સીટીઝનની સંભાળ માટે એક ખાસ આયોજન કરશે. દેશમાં વસ્તી વધારા સાથે વરિષ્ઠ નાગરિકો કે જેઓ વૃધ્ધાવસ્થા નજીક પહોંચી ગયા છે તેની સંખ્યા પણ વધવા લાગી છે. હાલ દેશમાં 15.67 કરોડ સીનીયર સીટીઝન છે જે 2050 સુધીમાં 34.60 કરોડ થઇ જશે.
સરકાર દ્વારા હવે આ અંગે ગંભીરતાથી તૈયારી થઇ રહી છે. સીનીયર સીટીઝન માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરુ કરવામાં આવશે. ખાસ કરીને જેમના સંતાનો વિદેશમાં ગયા છે અથવા તેના માતા-પિતાની સંભાળ લેતા નથી તેઓ માટે પણ ચોક્કસ ફરજો નિશ્ચિત કરાશે.
60 વર્ષ કે તેથી ઉપરનાઓને તેમાં આવરી લેવામાં આવશે. ખાસ કરીને મહીલા સિનિયર સીટીઝનની સંખ્યા વધી રહી છે. સરકાર સીનીયર સીટીઝન માટે આરોગ્ય યોજનામાં પણ વિવિધ લાભ આપશે.