આવતીકાલથી બોર્ડના 14.30 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યની કસોટી : જિલ્લા મુખ્યાલયો પર કંટ્રોલ રૂમ ધમધમ્યા

લોગ વિચાર :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા.27ને ગુરૂવારથી ધો.10 અને ધો.12 (સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. રાજકોટ શહેર જિલ્લાના 78430 સહિત રાજયમાં 14.30 લાખ વિદ્યાર્થીઓ શૈક્ષણિક ભાવીની આ કસોટીમાં બેસનાર છે.

જેમાં સૌરાષ્ટ્રના 3.40 લાખ થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10 અને ધો.12ની આ પરીક્ષા સંદર્ભે રાજયના તમામ જિલ્લા મથકો પર આજથી કન્ટ્રોલ રૂમોને ધમધમતા કરી દેવામાં આવેલ છે.

આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુચારુ રૂપથી લેવાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જશે.

શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકવામાં આવશે જેમાં ગેરરીતિનું સાહિત્ય પધરાવવાનું રહેશે. આવતીકાલે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો કુમકુમ તિલકથી સ્વાગત કરી તેઓના મોં મીઠા કરાવવામાં આવશે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા અડધો-પોણો કલાક વહેલા કેન્દ્રો પર પહોંચી જવા માટે તાકીદ કરવામાં આવેલ છે.

અહી એ ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા મથકો પર અગાઉથી જ પ્રશ્નપત્રો અને જરૂરી સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા બાદ ધો.10 અને ધો.12નું પરિણામ પણ વહેલાસર આવી શકે તે માટે પેપર તપાસણીના ઓર્ડરો પણ ઈસ્યુ કરી દેવામાં આવેલ છે.

બોર્ડના વિદ્યાર્થીઓની વોલટીકીટની સાથે જ પેપર તપાસણીના શિક્ષકોના ઓર્ડરો બોર્ડ વેબસાઈટ પર જ મુકી દેવામાં આવેલ હતા. કાલથી પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં અધિક કલેકટરના જાહેરનામાનો પણ અમલ શરૂ થઈ જશે જેમાં પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં ચાર થી વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રથમ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં મોબાઈલ સહિતના ઈલેકટ્રોનીક ઉપકરણો પણ સાથે લઈ જઈ શકશે નહી. પરીક્ષા ખંડોમાં મોબાઈલ સાથે રાખનાર વિદ્યાર્થીઓ તેમજ કોપીકેસ ગેરરીતિમાં ઝડપાનાર વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ શિક્ષણ બોર્ડ દ્વારા કરી દેવામાં આવેલ છે.

આ પરીક્ષાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીના રિવીઝનની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. વિદ્યાર્થીઓ પોતાના કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી કે તે માટે આજે પરીક્ષા કેન્દ્રોને ખુલ્લા મુકવામાં આવેલ છે.

આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આજે સાંજ સુધીમાં તમામ જીલ્લા મથકો પર બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલ ફલાઈંગ સ્કવોડ પહોંચી જશે.