લોગ વિચાર :
રાજસ્થાનના અલવરમાં ગાડિયા લોહાર સમુદાયના લોકોની અંતિમયાત્રા ખૂબ ધામધૂમથી નીકળતી હોય છે. કોઈ દૂરથી જુએ તો લાગે કે આ કોઈ વરઘોડો જ હશે. તાજેતરમાં રિછપાલ નામના 85 વર્ષના એક વૃદ્ધની અંતિમયાત્રા એવી નીકળી કે અલવરની ગલીઓ જબરી ખીલી ઊઠી. શબને અર્થી પર સુવાડવાને બદલે જાણે કોઈ દુલ્હાનો વરઘોડો હોય એમ દુલ્હાની જેમ શણગારીને માથે સાફો અને ચશ્માં પણ લગાવીને બેસાડવામાં આવ્યું હતું. શબયાત્રામાં અઢળક હાથી-ઘોડા અને ઊંટને શણગારીને જોતરવામાં આવ્યાં હતાં. આ શબયાત્રા ખાસ એટલા માટે હતી કેમ કે રિછપાલભાઈ પાંચ જિલ્લાના પંચ હતા. જ્યારે ગામનો મોભી માણસ મૃત્યુ પામે ત્યારે આ જ રીતે આખું ગામ તેમની અંતિમયાત્રામાં જોડાય છે. સમાજના લોકોએ 500થી 1000 રૂપિયાનું યોગદાન આપીને સંયુક્ત રીતે આ પ્રસંગ માટેનો ખર્ચ ઉપાડી લીધો હતો. બાકી મૃત્યુ પામનાર ભાઈ રોડના કિનારે એક નાનકડી ખોલીમાં પરિવાર સાથે રહેતા હતા.