વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડ લિંકનો નવો નિયમ મુસીબતમાં વધારો કરશે

લોગવિચાર :

રાજયની શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્‍કોલરશીપને લઈને શિક્ષણ વિભાગના નવા ફતવાથી વિદ્યાર્થીઓની મુશ્‍કેલીઓ વધી છે. રાજયની પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના વિદ્યાર્થીઓની બેંક એકાઉન્‍ટ, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્‍ધ હોવા છતાં સરકાર દ્વારા હવે સ્‍કોલરશીપ માટે રેશનકાર્ડ લિંક કરવાનું નવું તૂત ઊભું કરવામાં આવ્‍યું છે. જેના પગલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સ્‍થિતિ કફોડી બની છે. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્‍ટ સાથે હવે રેશનકાર્ડને જોડવા માટેના આદેશના પગલે શિક્ષણ જગત આ કામગીરીમાં લાગ્‍યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયની તમામ શાળામાં અભ્‍યાસ કરતાં ધોરણ-૧થી ૧૨ના વિદ્યાર્થીઓને મળતી શિષ્‍યવૃત્તિ, ગણવેશ સહાય, સરસ્‍વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષોથી સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્‍ટમાં જ જમા થાય છે. સ્‍કોલરશીપ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે છેલ્લા ઘણા સમયથી સીધા જ વિદ્યાર્થીઓને બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જોકે સરકારના સમાજ કલ્‍યાણ વિભાગ સહિતના વિવિધ વિભાગ દ્વારા સ્‍કોલરશીપને લઈને અનેક વખત બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે વિદ્યાર્થીઓ સ્‍કોલરશીપથી વંચિત રહેતા હોવાનું સામે આવ્‍યું છે, અથવા તો સ્‍કોલરશીપ મેળવવામાં ખૂબ જ વિલંબ થાય છે.તેમ નવગુજરાત સમય જણાવે છે.

એક બાજુ જે વિદ્યાર્થીઓ બેંક એકાઉન્‍ટ ધરાવે છે તેમને પણ ઘણા કિસ્‍સામાં સ્‍કોલરશીપ વિલંબથી મળતી હતી, પરંતુ હવે સરકારના જુદાજુદા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્‍ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્‍યો છે. આ કામગીરી કરવા માટે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ મારફતે શિક્ષકોને જોતરવાની સૂચના મળતા શિક્ષકોમાં પણ આક્રોશ ફેલાયો છે. કામગીરીમાં તમામ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્‍ટની વિગતો મેળવવાની રહેશે. જેથી શિષ્‍યવૃત્તિની દરખાસ્‍ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર તથા રેશનકાર્ડ મેમ્‍બરની આઈડીની વિગતો પણ અપલોડ કરવાની રહેશે.

આ કામગીરીને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ સ્‍કૂલોના આચાર્યોને પરિપત્ર કરી સૂચના અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમાં ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચઢાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવું રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્‍કોલરશીપ નહીં મળે. આમ, હવે રેશનકાર્ડમાં વિદ્યાર્થીઓના નામ દાખલ કરવા માટે પણ વાલીઓને ધક્કા ખાવાનો વારો આવશે.

જે વાલીઓ પાસે રેશનકાર્ડ છે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓના નામ દાખલ થયેલા નથી તેવા કિસ્‍સામાં સ્‍કૂલો દ્વારા યાદી તૈયાર કરી ઝોનલ કચેરી ખાતે જરૂરી આધાર - પુરાવા સાથે મોકલી આપવામાં આવશે. આ યાદી મળ્‍યા બાદ ઝોનલ કક્ષાએથી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં અપડેટ કરવામાં આવશે. પરંતુ જે વાલીઓ પાસે રેશનકાર્ડ જ નથી તેવા કિસ્‍સામાં વાલીઓ પોતાની રીતે ઝોનલ કચેરી ખાતે જઈને રેશનકાર્ડ કઢાવવાની કામગીરી કરવાની રહેશે. આમ, સ્‍કોલરશીપ માટે વાલીઓએ છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડશે.