લોગવિચાર :
આપણે સોશિયલ મીડિયા પર ક્યારેક આવો વીડિયો જોયો જ હશે, જેમાં લોકો લાકડાની થાળીની મદદથી નદી કે નહેરમાંથી સોનું કાઢે છે. આ લોકો પાણીમાં રહેલાં કાંકરા અને પત્થરોને ફિલ્ટર કરીને અલગ કરે છે અને આ પછી પાણીમાં માત્ર રેતી જ રહી જાય છે. પછી ધીમે ધીમે તેમાંથી સોનું કાઢવામાં આવે છે, જેને ‘ગોલ્ડ ડસ્ટ’ પણ કહેવામાં આવે છે.
દેશ અને દુનિયામાં એવી ઘણી નદીઓ છે જેમાં લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરીને સોનું કાઢે છે. આ નદીઓ અને તેનાં ઈતિહાસ વિશે વધુ માહિતી આ મુજબ છે.
મિઝોરી નદી
મિઝોરી નદી પર સોનાની ખાણકામનો ઈતિહાસ 19મી સદીના મધ્યનો છે જ્યારે શોધકર્તાઓએ નદીની માટીમાં પ્રથમ વખત સોનાની શોધ કરી હતી. આ નદી અમેરિકામાં છે. અહીં લોકો નદીની રેતીને ફિલ્ટર કરીને સોનાનાં કણો એકઠાં કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી સોનાનો માત્ર એક કણ જ ભેગો કરી શકે છે.
સુવર્ણરેખા નદી
સુવર્ણરેખા નદી ભારતનાં ઝારખંડમાં આવેલી છે. અહીં ઘણી સદીઓથી સ્થાનિક આદિવાસીઓ સુવર્ણરેખા નદીની રેતી ઉપાડે છે અને સોનાનાં કણો એકત્રિત કરે છે. આ નદીની ગણતરી ભારતની તે નદીઓમાં થાય છે, જ્યાં સૌથી વધુ સોનું નીકળે છે. ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાંથી વહેતી આ નદી સદીઓથી સોનાની ખાણ માટે જાણીતી છે.
યુબા નદી
કેલિફોર્નિયાની યુબા નદી સોનાથી ભરપૂર છે. 1850ના દાયકાથી, આ નદી અને તેની ઉપનદીઓના નીચલા ભાગોમાં સોનાનું ખાણકામ કરવાનું શરૂ થયું હતું. આજે પણ લોકો યુબા નદીના તળિયેથી સોનું કાઢે છે. આ નદીએ કેલિફોર્નિયાના સોનાનાં ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
બિગ હોલ રિવર
બિગ હોલ રિવર દક્ષિણ પશ્ચિમ મોન્ટાના, યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. કહેવાય છે કે આ નદીમાંથી સોનું મોટી માત્રામાં નીકળે છે. જ્યારે લોકોએ શોધ્યું કે આ નદીમાંથી સોનું નીકળી રહ્યું છે, ત્યારે શરૂઆતના વર્ષોમાં 5 મિલિયન ડોલરથી વધુનું સોનું કાઢવામાં આવ્યું હતું.
નદીઓમાં કેમ મળે છે સોનું
વૈજ્ઞાનિકોએ નદીઓમાં સોનાનાં કણો કેવી રીતે મળી આવે છે તે સમજાવતાં કહ્યું કે, નદી ઘણાં ખડકોમાંથી પસાર થાય છે નદીના પ્રવાહના કારણે આ ખડકો તૂટી જાય છે જેમાંથી સોનાનાં ટુકડા તૂટી અને નદીમાં ભળી જાય છે. જે પછી આ ટુકડાઓ નદીના કિનારે આગળ વહી જાય છે.