લોગવિચાર :
કેનેડાથી પરત બોલાવી લેવાયેલા ભારતના રાજદૂત સંજય વર્માએ ભારતીય વાલીઓને તેમના સંતાનોને કેનેડા અભ્યાસ માટે મોકલતા પુર્વે વિચારવાની અપીલ કરતા કહ્યું કે કેનેડામાં જે ભારતીય વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ માટે છે તેમાં મોટાભાગના અત્યંત મુશ્કેલ અને અમાનવીય હાલતમાં છે.
તેઓ પર ખાલીસ્તાની અલગતાવાદીઓ પ્રભાવ પાડવા પણ પ્રયાસ કરે છે. શ્રી વર્માએ જણાવ્યું કે સારા-સારા કુટુંબોમાંથી કેનેડા અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને કેમ્પ જેવા વિસ્તારમાં રહેવાની ફરજ પડી રહી છે.
એક બેઝમેન્ટ રૂમમાં સાત-આઠ વિદ્યાર્થીઓ રહે છે અને તેઓ ઉચ્ચ અભ્યાસ કરીને સારી કારકીર્દીના સ્વપ્ના જોતા હોય છે. તેઓને કેનેડાની શૈક્ષણિક વ્યવસ્થામાં ઓછામાં ઓછો સમય અભ્યાસ કરવાની તક રહે છે. કારણ કે તેમના ખર્ચ કાઢવા વધુને વધુ કલાકો કામ કરવું પડે છે.
પુરા સપ્તાહ તેઓ કોઈ સ્ટોરમાં દૈનિક મજુરની જેમ કામ કરે છે તેમનો ઈશારો કેનેડામાં અભ્યાસની સાથે પાર્ટટાઈમ જોબ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ભણી હતો અને તેઓ સારી ડીગ્રી ધરાવતા હોવા છતા કેબ ડ્રાઈવર કે તેવી જોબ કરે છે.
આ ઉપરાંત કેનેડાની સામાજીક સ્થિતિ પર ટીપ્પણી કરતા કહ્યું કે જેઓ નોન-ખાલીસ્તાની સ્ટુડન્ટ છે. તેઓને ધમકી આપવામાં આવે છે અને તેમને ગેંગસ્ટર-ક્રિમીનલ બનવાની ફરજ પાડવામાં આવે છે અને અનેક નિર્દોષ વિદ્યાર્થીઓ જેઓ ત્યાં ગયા છે તે ક્રિમીનલ બની ગયા છે અને આ વિદ્યાર્થીઓ પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે હાલમાં જે તનાવ છે તે સંદર્ભમાં શ્રી વર્માને પરત બોલાવી લેવાયા હતા.