મહાકુંભમાં ત્રીજું અમૃતસ્નાન : પાંચ કરોડ ભક્તો ઉમટયા

લોગ વિચાર :

પ્રયાગરાજમાં આજે વસંતપંચમીના પાવન અવસરે ત્રીજુ અમૃતસ્નાન યોજવામાં આવ્યુ હતું. અખાડાના સાધુ સંતો દ્વારા તેની શરૂઆત થયા બાદ કરોડો શ્રદ્ધાળુ ઉમટયા હતા. આ તકે હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મૌની અમાવસ્યાની જેમ કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

13મી જાન્યુઆરીએ શરૂ થયેલા અને 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમા આજે ત્રીજુ પવિત્ર અમૃતસ્નાન હતું. ત્રિવેણી સંગમ પર અખાડાઓની સાથોસાથ શ્રદ્ધાળુઓએ પણ ડુબકી લગાવી હતી. આજે પાંચ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન કરે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને અભૂતપૂર્વ વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવ્યું છે. મૌની અમાવસ્યા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વધુ અધિકારીઓ ઉપરાંત સેંકડો સુરક્ષા અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

વસંતપંચમીના અવસરે અમૃત સ્નાન માટે એકત્રીત સંતો તથા ભકતોની વચ્ચે સંગમ ઘાટ પર એક મહિલા શ્રદ્ધાળુઓ શંખ ધ્વનિ રેલાવ્યો હતો. વિદેશી ભકતો હનુમાન ચાલીસાનું પઠન કરતા જોવા મળ્યા હતા.

સ્વામી કૈલાશાનંદ ગિરિએ કહ્યું કે તમામ 13 અખાડાઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. માં ગંગા તથા ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તમામ નાગા સાધુમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ત્રીજુ અમૃત સ્નાન હતુ. સરકાર તથા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ગોઠવેલી વ્યવસ્થા અભિનંદનને પાત્ર છે. આજની વ્યવસ્થા અગાઉના બે અમૃતસ્નાન કરતા વધુ સારી હતી. આજનુ અમૃતસ્નાન સાધુ-સંતો માટે સૌથી મોટુ હતું.

અમૃતસ્નાન વચ્ચે સંતો-શ્રદ્ધાળુઓ પર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષાથી વાતાવરણ વધુ ધર્મમય બન્યુ હતુ અને હર હર ગંગે તથા હર હર મહાદેવના જયઘોષ ગુંજતા રહ્યા હતા.

એક દિવસ પુર્વે જ 1.33 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યુ સ્નાન: અત્યાર સુધીમાં 35 કરોડ ભાવિકોની ડુબકી
વસંતપંચમીના પવિત્ર અમૃતસ્નાન પુર્વે જ મહાકુંભમાં લાખો-કરોડો શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. અમૃતસ્નાનના પ્રારંભ પુર્વે જ 1.33 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધુ હતુ. આ સાથે અત્યાર સુધીમાં 34.94 કરોડ લોકોએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યાનુ જાહેર કરાયુ છે.

ભસ્મી પછી અમૃતસ્નાન: હવે સાધુ-સંતો વિદાય થવા લાગશે
મહાકુંભમાં આજે ત્રીજા અમૃતસ્નાનમાં સૌપ્રથમ નાગા સન્યાસી ધર્મધ્વજા સાથે પહોંચ્યા હતા. ભસ્મી સ્નાન કર્યા બાદ અમૃતસ્નાન માટે આગળ વધ્યા હતા. સાધુ-સંતો માટે આજનું સ્નાન સૌથી મોટુ ગણવામાં આવે છે અને હવે અખાડાના સાધુ-સંતો વિદાય લેવા માંડશે.