આ ભાઈએ 542 કિલો વજન ઘટાડ્યું : 22માં વર્ષે 610 કિલો : 34માં વર્ષે 63 કિલો

લોગ વિચાર :

એક સમયે વિશ્વના સૌથી વજનદાર ટીનેજરનો ખિતાબ જેના નામે હતો એવો સાઉદી અરેબિયાનો ખાલિદ બિન મોહસિન શારી અત્‍યારે ઓળખી શકાય એવો નથી રહ્યો. તે પૃથ્‍વી પરના સૌથી વધુ વજનદાર પુખ્‍ત પુરુષની યાદીમાં બીજા નંબરે રહી ચૂક્‍યો હતો અને એ વખતે તેનું વજન છેક ૬૧૦ કિલોને આંબી ગયેલું. જોકે એને કારણે તે પથારીમાંથી જાતે પડખું પણ ફેરવી શકે એવી સ્‍થિતિમાં નહોતો. ૨૦૧૩ના ઓગસ્‍ટ મહિનામાં તેની તબિયત લથડી રહી હતી ત્‍યારે સાઉદી અરેબિયાના તત્‍કાલીન કિંગ અબદુલ્લા તેની વહારે ધાયા. લગભગ ત્રણ વર્ષથી પથારીમાં જ પડી રહેલા બાવીસ વર્ષના મોહસિન શારીની સારવાર કરવી હોય તો પણ વજન ઉતારવું પડે એમ હતું અને વજન ઉતારવા માટે તેને હોસ્‍પિટલમાં દાખલ કરવો પડે એમ હતો. જોકે મોટો સવાલ એ હતો કે ઘરના પહેલા માળે રહેતા મોહસિનને ઘરની બહાર કાઢીને હોસ્‍પિટલ સુધી કઈ રીતે પહોંચાડવો?

કિંગ અબદુલ્લાની મદદથી તેના ઘરની બારી તોડવામાં આવી અને તેને ક્રેનથી નીચે ઉતારીને રિયાધની કિંગ ફહદ મેડિકલ સિટી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો. લગભગ ૩૦ મેડિકલ પ્રોફેશનલની ટીમ તૈયાર કરવામાં આવી અને મોહસિન શારીનું વજન ઉતારવા માટે ગેસ્‍ટ્રિક બાયપાસ સર્જરી કરવામાં આવી. આ સર્જરીમાં જઠરને કાપીને નાનું કરી દેવામાં આવે છે જેથી નેચરલી જ ભૂખ ઓછી લાગે છે. એ પછી તેને સ્‍ટ્રિક્‍ટ ડાયટ પર રાખવામાં આવ્‍યો. જે વ્‍યક્‍તિ જાતે પડખું નહોતી ફેરવી શકતી તેને હાથ-પગ હલાવવાની કસરત કરાવવાનું પણ દીવાસ્‍વપ્‍ન સમાન હતું. એમ છતાં ડોક્‍ટરોની ટીમે લગાતાર એ કામ કર્યું. એના પરિણામરૂપે છ જ મહિનામાં તેનું વજન અડધું એટલે કે લગભગ ૩૦૦ કિલો જેટલું ઊતરી ગયું. એ પછીથી તેનું વજન ઉતારવાની સાથે શરીરમાં તાકાત આવે અને સાંધાઓ ફરીથી કાર્યરત થાય એની જદ્દોજહદ શરૂ થઈ. આટલું જ વજન જળવાઈ રહે એ માટે પણ વચ્‍ચે થોડોક સમય ટ્રીટમેન્‍ટમાં રાહત આપવામાં આવી. એ પછી ધીમે-ધીમે વર્ષે પચીસ-ત્રીસ કિલો વજન ઘટે એવો ટાર્ગેટ સેટ કરવામાં આવ્‍યો અને છેલ્લે તેના શરીર પર લબડી પડેલી ત્‍વચા પણ સર્જરી કરીને દૂર કરવામાં આવી. ૨૦૨૩માં તેનું વજન ૫૪૨ કિલો જેટલું ઘટ્‍યું અને હવે તે ૬૩ કિલો વજનનો છે. ૩૩ વર્ષની ઉંમરે તે હવે એક નોર્મલ વ્‍યક્‍તિ જેટલું વજન ધરાવે છે, પરંતુ આટલાં વર્ષોની સ્‍થૂળતાને કારણે હજી તેને બેસવામાં અને ચાલવામાં તકલીફ પડતી હોવાથી સહારાની જરૂર પડે છે.