લોગવિચાર :
ભારતમાં શિયાળાનો પ્રવેશ થઈ ગયાના મહિના પછી પણ હજુ કોઈ કડકડતી ઠંડી શરૂ થઈ નથી ત્યારે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે શિયાળો પ્રમાણમાં હુંફાળો જ રહેવાનો છે. શિયાળામાં સામાન્ય રીતે 5થી6 વખત કોલ્ડવેવની સ્થિતિ સર્જાતી હોય છે પરંતુ આ વખતે કોલ્ડવેવના દિવસો પણ ઓછા રહેવાની સંભાવના છે.
ભારતમાં નવેમ્બર મહિનો 1901 પછીનો સૌથી ગરમ બની રહ્યાના બીજા જ દિવસે હવામાન વિભાગ દ્વારા આખરી રિપોર્ટ જારી કરાયો છે. નવેમ્બરનું સરેરાશ તાપમાન 29.37 ડીગ્રી રહ્યું હતું જે નોર્મલ 28.35 ડીગ્રી કરતા 0.623 ડીગ્રી વધુ હતુ.
ભારતીય હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના શિયાળાના મહિનાઓમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના ક્ષેત્રોમાં સમાન હાલત રહી શકે છે.
શિયાળા દરમ્યાન પાંચથી છ વખત કોલ્ડવેવની સ્થિતિ સર્જાતી હોય છે તેની સંખ્યા પણ આ વખતે ઓછી રહેશે. દક્ષિણના મેદાની ભાગો સિવાય દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મહતમ તાપમાન પણ નોર્મલ કરતા વધુ જ રહેવાની સંભાવના છે.
મહાપાત્રાએ કહ્યું કે, ઉતર પશ્ચિમ, મધ્ય, પુર્વ અને ઉતરપુર્વીય ભાગોમાં ડીસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન પાંચ થી છ વખત કોલ્ડવેવ ઉભા થતા હોય છે પરંતુ આ વખત માત્ર બે કે ચાર વખત જ આવી સ્થિતિ ઉભી થઈ શકશે.
સળંગ ત્રણ દિવસ સુધી ન્યુનતમ તાપમાન દૈનિક કલાયમેટોલોજી વેલ્યુના 10માં ભાગનુ પર્સન્ટાઈલ રહેવાના સંજોગોમાં કોલ્ડવેવની સ્થિતિ ગણવામાં આવતી હોવાનું ઉલ્લેખનીય છે. તેમણે કહ્યું કે હુંફાળા શિયાળા પાછળ પશ્ર્ચીમી વિક્ષોભની ગેરહાજરી એક મોટુ કારણ છે.
ઘઉં-રાયડો જેવા શિયાળુ પાકને અસર થવાની ભીતિ
ઓકટોબરથી ડીસેમ્બર સુધી ઘઉં, રાયડો સહિતના શિયાળુ પાકનુ વાવેતર થતુ હોય છે. આ કૃષિ પાકને સારી ઠંડી જરૂર હોય છે. કાતિલ ઠંડી ન પડવાના સંજોગોમાં શિયાળુ ઉત્પાદનને અસર થઈ શકે છે.