લોગવિચાર :
છેલ્લાં કેટલાક સમયથી ૧૦ રૂપિયાના સિક્કાને લઈને જાત-જાતની વાતો અને અફવાઓ ઉડી રહી છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પણ સમય સમય પર એલર્ટ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં ઘણી જગ્યાએ આજે પણ લોકો આ ૧૦ રૂપિયાનો સિક્કો લેવામાં આનાકાની કરે છે. દસ રૂપિયાનો સિક્કો એ ભારતીય ચલણમાં છે અને એને સ્વીકારવાનો કોઈ પણ ઈનકાર ના કરી શકે. શું તમને ખબર છે કે ૧૦ રૂપિયાનો સિક્કો લેવાનો ઈનકાર કરે તો એને જેલની સજા થઈ શકે છે? ચાલો જાણીએ શું કહે છે કાયદો...
વિસ્તારથી વાત કરીએ તો કેટલાક લોકોનું એવું માનવું છે કે જે ૧૦ રૂપિયાના સિક્કા પર ૧૦ લાઈન છે એ જ અસલી છે અને બાકીના સિક્કા બનાવટી છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા અલગ અલગ આકારના, ડિઝાઈનના ૧૦ રૂપિયાના તમામ કોઈન્સ વેલિડ છે. જો કોઈ સિક્કા લેવાનો ઈનકાર કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
સિક્કા અધિનિયમ, ૨૦૧૧ના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ ચલણમાં રહેલાં કોઈ પણ ચલણને સ્વીકારવાનો ઈનકાર કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો આરબીઆઈના અધિનિયમ ૧૯૩૪ હેઠળ આઈપીસીની ધારા ૨૦૨૩ હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય ચલણનો અસ્વીકાર કરવો એ રાજદ્રોહની શ્રેણીમાં આવે છે.
કાયદાના નિષ્ણાતોએ આ વિશે વિસ્તારથી વાત કરતાં જણાવ્યું હતું કે આઈપીસી, ૧૯૮૦ના ધારા ૧૨૪એ હેઠળ ભારતીય ચલણનો અસ્વીકાર કરવો એ એક દંડનીય અપરાધ છે અને આવું કરનારને ત્રણ વર્ષથી લઈને ઉંમર કેદ સુધીની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ અસલી સિક્કાને નકલી ગણાવીને અફવા ફેલાવે છે તો એવા લોકો સામે પણ કાર્યવાહી કરી શકાય છે. એટલું જ નહીં સિક્કાને ગાળવા પણ એક ગુનો છે અને આ માટે સાત વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.