સાયબર હુમલાનો ખતરોઃ દેશભરની બેંકોને એલર્ટ

લોગ વિચાર :

ભારતીય બેન્કીંગ ક્ષેત્ર પર મોટો સાઈબર એટેકનો ખતરો હોવાની ગંભીર બાતમી મળતા તમામે તમામ બેંકોને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે અને ચોવીસ કલાક સીસ્ટમ પર દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા માર્ગદર્શીકા જારી કરવામાં આવી છે તેમાં એમ જણાવ્યુ છે કે સાઈબર એટેકનાં ગંભીર ખતરાને ધ્યાને રાખીને તમામ બેંકોને ચોવીસેય કલાક સીસ્ટમનું મોનીટરીંગ કરવાની સલાહ આપવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે દુનિયામાં અનેક મોટા સાઈબર એટેકમાં સામેલ લુલ્ઝ એક ગ્રુપે ભારતીય બેંકો પર સાઈબર એટેક માટે તોપ તાકી હોવાની પોસ્ટ સોશ્યલ મીડીયામાં વહેતી થઈ હતી અને તે સમયગાળામાં જ રીઝર્વ બેન્કે માર્ગદર્શીકા જારી કરી છે.

સાઈબર એટેક માટે કુખ્યાત ગણાતુ આ જુથ કેટલાંક વખતથી નિષ્ક્રીય હતું અને તેના દ્વારા આવા કૃત્યો બંધ કરી દેવાયાનું મનાવા લાગ્યુ હતું. તેવા સમયે જ તે ફરી એકટીવ થયાના સંકેત છે.

બેન્કીંગ સીસ્ટમમાં શંકાસ્પદ ઘુસણખોરી પકડવા માટે સર્વર તથા નેટવર્ક પર સતત દેખરેખ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે આ સિવાય સ્વીફટ ઉપરાંત કાર્ડ નેટવર્ક આરટીજીએસ, નેફટ તથા યુપીઆઈ જેવી મહત્વપૂર્ણ પેમેન્ટ સીસ્ટમમાં સતત મોનીટર કરવાની સુચના આપવામાં આવી છે. ડીડીઓએસ (ડીસ્ટ્રીબ્યુટેક ડીનાયલ ઓફ સર્વીસ) જેવા ખતરા સામે સ્ટાર્ન્ડડ નિયંત્રણો લાગુ કરવા સુચવવામાં આવ્યુ છે.

આ પ્રકારનાં હુમલામાં હેકરો દ્વારા એક સાથે અનેક સીસ્ટમ પર પ્રહાર કરવામાં આવતા હોય છે. તેમજ મોટી હજારોની સંખ્યામાં કવેરી નાખવામાં આવતી હોય છે જે હેન્ડલ કરવાનું બેંકની વેબસાઈટ તથા ઓનલાઈન સેવા માટે મુશ્કેલ બની જાય છે.વાસ્તવીક ગ્રાહકોનાં ટ્રાન્ઝેકશનમાં હાલાકી સર્જાય છે.

આ સિવાય રીમોટ લોગ-ઈન તથા મહત્વપૂર્ણ સીસ્ટમનાં એસેસ પર નિયંત્રણ રાખવા તથા વાઈરસ સામે તમામ સીસ્ટમ સ્કેન કરવાનું કહેવામાં આવ્યું છે. જરૂરી અપડેટેશન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

એકાદ વર્ષ પુર્વે કેન્દ્ર સરકારનાં ઈલેકટ્રોનિકસ મંત્રાલય હેઠળની કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા સમાન પ્રકારનું જોખમ જાહેર કરવામાં આવી હતી. સામાન્ય રીતે બેંકોને સંભવીત સાઈબર એટેકની બાતમી મળે તે સાથે જ ક્ધટીજન્સી પ્લાન લાગુ કરી દેતી હોય છે.આ વખતે પણ સમાન સ્થિતિ છે.

બેંકોને મજબુત ઓફ લાઈન બેકઅપ તથા રીકવરી સ્ટ્રેટેજી અપનાવવાની સુચના આપવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે ગુપ્તચર બાતમીને બેંકો કે નાણા સંસ્થાઓ હળવાશથી ન લઈ શકે.