લોગ વિચાર :
સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે, સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃત્તિ કેળવાઈ તે માટે તા.10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાઇ રહેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
એક વખત હતો કે, ગિરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહી હતી, સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનું જોવા મળે છે. ગુજરાત રાજય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે 674 (વર્ષ-2020ની ગણતરી પ્રમાણે) થઈ છે.
રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે.
કુદરતી રીતે જ એશિયાઇ સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજે 30,000 ચો. કિ.મી.માં વિહરતા જોવા મળે છે. જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ 1,880 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય, પાણીયા વન્ય જીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે, તે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે તા.18 સપ્ટેમ્બર, 1965ના રોજ ગીરને વન્ય જીવ અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું.
દેશના અર્ધસૂષ્ક પશ્ચિમ ભાગમાં આવેલા ગીરનું જંગલ પાનખર જંગલોનો સૌથી મોટો વિસ્તાર છે તે ભારતના સૌથી જૂના સંરક્ષિત વિસ્તારોમાંનો એક છે. આ જંગલ વિસ્તાર સિંહોના નિવાસ્થાન માટે જાણીતું તો છે જ સાથે જ ભારતીય ચિત્તા અને મગરોની પણ મોટી વસ્તી ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે. હિરણ, સરસ્વતી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ વગેરે નદીઓ આ વિસ્તારની પર્યાવરણીય વિવિધતામાં મોટો ફાળો આપે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-2013માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ-2016થી કરવામાં આવી રહી છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ - એશિયાઇ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે.