અવકાશમાં પણ ટ્રાફિક જામ : સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધોનો સામનો કરવો પડશે

લોગવિચાર :

અંતરિક્ષને લઈને તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટને કારણે સંયુક્ત રાષ્ટ્રને ચિંતા થઈ છે. દુનિયાના વિવિધ દેશોમાં આંતરિક અને વૈશ્વિક પરિપ્રેક્ષણમાં જે સ્થિતિ સર્જાઈ છે તે તો સંયુક્ત રાષ્ટ્ર માટે મહત્વનો મુદ્દો હશે જ પરંતુ બ્રહ્માંડમાં જે સ્થિતિ સર્જાઇ છે તેને લઈને પણ સંયુક્ત રાષ્ટ્ર હેરાન થયું છે.

આ અહેવાલ અનુસાર પૃથ્વીની નીચલી કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બીટમાં પણ આવનારા દિવસોમાં ટ્રાફિક જામ થવાની શક્યતા છે. આ ટ્રાફિક જામને કારણે સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચવામાં અડચણ પહોંચી શકે છે, શક્ય છે કે સૂર્યપ્રકાશ ફિલ્ટર થઈને પૃથ્વીની સપાટી પર પહોંચે. ૧૦૦ થી ૧૦૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધીમાં એટલો ટ્રાફિક જામ લાગી શકે છે કે, અન્ય કોઈ રોકેટ આ કક્ષા પસાર જ ન કરી શકે. લોઅર અર્થ ઓર્બીટમાં ૧૪,૦૦૦ થી વધુ સેટેલાઈટ આવેલા છે. તેમાંથી સાડા ત્રણ હજાર જેટલા સેટેલાઈટ બિનકાર્યરત છે.

આ ઉપરાંત અધધ માત્રામાં કચરો અંતરીક્ષમાં તરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટની અંતરીક્ષ માટે કાર્યરત પેનલનું માનવું છે કે, જે કંપનીઓ લોઅર અર્થ ઓર્બીટમાં સેટેલાઈટ પ્રતિપાદિત કરવા માંગે છે તેમણે એકવાર વિચાર કરવાની જરૂર છે. અંતરિક્ષમાં હાલમાં જે એટલા બધા ઉપગ્રહો તરી રહ્યા છે કે તેને કારણે સમસ્યા સર્જાઇ રહી છે અને ભવિષ્યમાં સર્જાશે. જો નવા ઉપગ્રહો તરતા મૂકવામાં આવશે તો મુશ્કેલીમાં વધારો થતો રહેશે અને એક દિવસ એવો આવી જશે કે સૂર્યપ્રકાશને પણ આપણા સુધી પહોંચવા માટે પારાવાર અડચણોનો સામનો કરવો પડશે. તેથી સૌથી પહેલા તો અંતરીક્ષનો કચરો સાફ કરવા માટેનું કાર્ય હાથ ધરવું જોઈએ અને ઉપગ્રહોના લોન્ચિંગ મુદ્દે વિચાર કરવો જોઈએ.

મોટી સંખ્યામાં ઉપગ્રહો હોવાથી આ ઉપગ્રહો એકબીજા સાથે ટકરાવાની પણ શક્યતા ઉદ્ભવે છે. તેનો કચરો અંતરીક્ષના કચરામાં વધારો જ કરશે. આ ઉપરાંત સેટેલાઈટની ટક્કરને કારણે પૃથ્વીને પણ નુકસાન થવાની શક્યતાઓ ઉભી થાય છે. આ સ્થિતિ ન ઉદ્ભવે તે માટે દરેક દેશે વિચારણા કરવી જોઈએ અને યોગ્ય પગલા લેવા જોઈએ, તેવું સૂચન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું છે.