લોગ વિચાર :
ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. વર્ષ 2019થી જૂન 2024માં 34,834 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા છે. આ વર્ષે જ 2784 વ્યક્તિએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સર્રેરાશ 15થી વધુ વ્યક્તિ ટીબી સામે જીવ ગુમાવે છે.
ગુજરાતમાં ટીબીથી સૌથી વધુ 6780 મૃત્યુ વર્ષ 2020માં થયા હતા. આ સિવાય 2019 થી 2023માં પાંચ હજારથી વધુ લોકોએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધી ગુજરાતમાં ટીબીના 73,211 કેસ નોંધાયેલા છે. જેમાં 48,645 કેસ સરકારી હોસ્પિટલમાં જ્યારે 24,566 કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
આ વર્ષે જે રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાય હોય તેમાં ઉત્તર પ્રદેશ 3.44 લાખ દર્દીઓ સાથે મોખરે છે. આ વર્ષે જૂન સુધી જે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર 1.14 લાખ સાથે બીજા, બિહાર 1.01 લાખ સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ 92,892 સાથે ચોથા સ્થાને છે. ગુજરાતમાં વર્ષ 2023માં સરકારી હોસ્પિટલમાં 91,731 અને ખાનગી હોસ્પિટલમાં 49,797 એમ કુલ 1,41,258 કેસ નોંધાયા હતા.
હવે 1 જાન્યુઆરી 2019થી જૂન 2024 સુધીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 5.05 લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવેલા છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 2019થી 2023માં મલેરિયાથી માત્ર બે, 2019થી 2023 દરમિયાન ડેન્ગ્યુથી 47, ટાઇફોઇડથી 17 જ્યારે ન્યુમોનિયાથી ચાર વ્યક્તિના મૃત્યુ થયેલા છે.