લોગ વિચાર.કોમ
પહેલગામના ત્રાસવાદી હુમલા તથા ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિમાં દેશભરમાં એલર્ટ છે ત્યારે આજે મુંબઈ એરપોર્ટથી આઈએસઆઈએસના બે ત્રાસવાદી પકડાતા ખળભળાટ સર્જાયો છે. બન્નેની ઉલટ તપાસ શરુ કરવામાં આવી છે અને કેટલાક ચોંકાવનારા ભેદ ખુલવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા આઈએસઆઈએસમાં સ્લીપર સેલ રહેલા બે શખ્સોની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાંથી આઈએસઆઈએસનો સફાયો કરવાના અભિયાન વચ્ચે બંને પકડાતા મહત્વની સફળતા ગણવામાં આવી રહી છે.
પકડાયેલા બંને શખ્સોની ઓળખ અબ્દુલ્લા ફીયાઝ શેખ અને તલહાખાન તરીકે થઈ છે. તેઓ ઈન્ડોનેશિયાના જાકાર્તામાં છુપાયેલા હતા અને ભારત પરત ફરતા જ એરપોર્ટથી પકડી લેવામાં આવ્યા હતા.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ જાહેર કરેલા સતાવાર નિવેદન પ્રમાણે મહારાષ્ટ્રના પુનામાં બોમ્બ બનાવવા અને તેના પરિક્ષણ કરવાના 2023ના કેસમાં બંને શખ્સો વોન્ટેડ હતા. આઈએસઆઈએસના નેટવર્કમાં સ્લીપર સેલ તરીકે કાર્યરત હતા અને ભારતમાં ત્રાસવાદી હુમલો કરવાના ષડયંત્રમાં સંડોવાયેલા હતા. બે વર્ષથી તેઓ નાસી ગયા હતા.
ભારત સરકાર દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈ ખાસ અદાલત દ્વારા બંને વિરુદ્ધ બીન જામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યુ હતું અને ત્રણ લાખનું ઈનામ પણ ઘોષિત કરાયુ હતું.