UPI ટુંક સમયમાં ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખ દ્વારા કરી શકાશે

લોગ વિચાર :

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એનપીસીઆઈએ યુપીઆઈ દ્વારા પૈસાની લેતીદેતી વધુ સુરક્ષિત કરવા માટે મોટાં ફેરફારો કરી રહી છે. ટુક સમયમાં યુપીઆઈ પિન સિવાય ફિંગરપ્રિન્ટ્સ અને ફેશિયલ રેકગ્નિશનનો પણ પેમેન્ટ વેરિફિકેશન માટે ઉપયોગ કરવામાં આવશે. એનપીસીઆઈ બાયોમેટ્રિક ફીચર લાવવા માટે પેમેન્ટ એપ્સ કંપનીઓ સાથે વાત કરી રહી છે. આ સુવિધા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.

દેશમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને એમેઝોન પે સહિત અન્ય ઘણી એપ્સ છે, જે યુપીઆઈ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે. અહેવાલો અનુસાર, એનપીસીઆઈ યુપીઆઈ પેમેન્ટ માટે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ આઈડી ઉમેરવાનું વિચારી રહી છે.

તેમનું માનવું છે કે, ફેસ આઈડી અને બાયોમેટ્રિક્સના ઉપયોગથી યુપીઆઈ વધુ સુરક્ષિત બનશે. તેનાથી છેતરપિંડી ઘટી શકે છે. આ સુવિધા શરૂ કરતાં પહેલાં તેના જોખમની પણ દરેક સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.

મોબાઈલ ફોન પ્રમાણે સુવિધા મળશે  
આ એપ કંપનીઓ સાથે એનપીસીઆઈ ની વાતચીત સફળ થશે તો યુપીઆઈ પેમેન્ટ એન્ડ્રોઈડ ફોનના ફિંગરપ્રિન્ટ સેન્સરની મદદથી કરવામાં આવશે અને આઈફોનનો ઉપયોગ કરતાં લોકો ફેસ આઈડી દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરી શકશે.

છેતરપિંડી કરનારાઓ વિવિધ રીતે યુપીઆઈ પીન જાણી લે છે 
સાયબર નિષ્ણાતો કહે છે કે છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી કરવા માટે યુપીઆઈ પિન નંબર જાણવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યાં છે, કોઈને કોઈ બહાનું બનાવીને તેઓ લોકોને ફસાવી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

આ સિવાય કેટલાક છેતરપિંડી કરનારાઓએ નકલી યુપીઆઈ એપ પણ બનાવે છે, તેઓ કાયદેસર બેંકિંગ એપની નકલ કરીને લોગિન વિગતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ચોરી કરે છે. આંકડા અનુસાર, જાન્યુઆરી 2020 થી જૂન 2023 વચ્ચે થયેલી છેતરપિંડીના લગભગ 50 ટકા કેસોમાં યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગ્રાહકોને બે વિકલ્પ મળશે 
આ સુવિધા લાગુ થશે ત્યારે યુપીઆઈ ગ્રાહકોને પેમેન્ટ માટે બે વિકલ્પ મળશે. તેઓ પિન અથવા બાયોમેટ્રિક્સમાંથી એક પસંદ કરી શકશે. જેમ જેમ નવી પ્રક્રિયા લોકોમાં લોકપ્રિય થશે તેમ તેમ ધીરે ધીરે જૂની સિસ્ટમને દૂર કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.

કેસો સતત વધી રહ્યાં છે :
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર વર્ષ 2023 - 24 માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં પ ગણો વધારો થયો હતો. એક સર્વે મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ અડધાં ભારતીયો છેતરપિંડીનો શિકાર બન્યાં હતાં.

આ ઘટનાઓમાં યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત છેતરપિંડીના સૌથી વધુ કેસ નોંધાયા હતાં. 36 ટકા લોકોએ કહ્યું હતું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દરમિયાન છેતરપિંડી થઈ હતી.