શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે

લોગ વિચાર :

ગુજરાતીઓનો ખોરાક પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલાં ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણે બિનઆરોગ્યપ્રદ ખોરાક પ્રત્યેનો ગુજરાતીઓનાં પ્રેમની પૃષ્ટિ કરી છે.

એવું જાણવા મળ્યું છે કે, શહેરી ગુજરાતીઓ તેમનાં કુલ માસિક ખર્ચનાં 13.6 ટકા પ્રોસેસ્ડ ફૂડ અને પીણાં પાછળ ખર્ચી રહ્યાં છે. આમાં તે બધાં ખોરાક અને પીણાં શામેલ છે જે ઘરનો ખોરાક નથી. શહેરી ગુજરાતીઓનો દૂધ પરનો ખર્ચ 9.2% અને અનાજ-કઠોળનો સંયુક્ત ખર્ચ 5.3% છે

કેન્દ્રીય મંત્રાલય એમઓએસપીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટેનાં સર્વે અનુસાર ભારતનાં મુખ્ય રાજ્યો જેવાં કે પંજાબ (13 ટકા), કર્ણાટક (12.5 ટકા) અને દિલ્હી (12 ટકા) ગુજરાતનાં 13.6 ટકા કરતાં ઓછો ખર્ચ કરે છે જયારે ત્રણ નાના રાજ્યો ગોવા (17 ટકા), આસામ ( 15.6 ટકા) અને અરુણાચલ પ્રદેશ (15.2 ટકા) ગુજરાત કરતાં વધુ ખર્ચ કરે છે.

ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે 
આ કેટેગરી પર ખર્ચ કરવામાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ 11 ટકા કરતાં વધારે હતો. આ જ સર્વેનાં 2022-23 ના 10.9 ટકાની સરખામણીએ 2.7 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સર્વેક્ષણ અનુસાર, બે રાઉન્ડની વચ્ચે રાષ્ટ્રીય વધારો 0.5 ટકાનો થયો હતો જે 2.7 ટકા કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો.

નિષ્ણાતો રાજ્યમાં પ્રોસેસ્ડ ફુડ અને પીણાં વપરાશના સતત વધારા સાથે સંમત થયાં હતાં. ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન્સ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી ડો.પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, ઝડપી ફૂડ ડિલિવરી સેવાઓના આગમનથી આંગળીના ટેરવે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ઉપલબ્ધ બન્યું છે.

તેમણે કહ્યું કે, "અમે દર્દીઓને બહારનો ખોરાક ટાળવાની સલાહ આપી રહ્યાં છીએ અને હવે દૈનિક ધોરણે વધુ શાકભાજી, ફળો અને ફાઇબર-સમૃદ્ધ આહારનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છીએ. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલાં અમદાવાદ ડેક્લેરેશન દ્વારા પ્રકાશિત રીપોર્ટ મુજબ, જંક ફૂડ એ ડાયાબિટીસ અને અન્ય કેટલાક બિનચેપી રોગોનું એક કારણ છે.

શહેર સ્થિત અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ઊંચી કાર્યકારી વસ્તી, બહારનાં ખોરાકની સરળ ઉપલબ્ધતા અને બદલાતી જીવનશૈલી જેવાં પરિબળો સામાન્ય રીતે ખાદ્ય વપરાશની પેટર્નમાં પરિવર્તન લાવવામાં ફાળો આપે છે.

સર્વેક્ષણોના આંકડા સૂચવે છે કે, ભારતભરનાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં બહારનાં ખોરાક અને પીણાં પરનો એકંદર ખર્ચ વધી રહ્યો છે. જોકે તેની સામાજિક-આર્થિક અસરને વધુ અભ્યાસની જરૂર છે, એમ શહેર સ્થિત એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.

સર્વેક્ષણના પરિણામોએ એ પણ દર્શાવ્યું હતું કે રાજ્યમાં દૂધ અને દૂધની બનાવટો જેવાં કે પનીર અને ચીઝ પરનાં રાષ્ટ્રીય સરેરાશ ખર્ચ કરતાં વધુ ખર્ચ કરવામાં આવે છે. આ કેટેગરી પરનાં દેશનાં કુલ ખર્ચ 7.2 ટકાની સરેરાશની તુલનામાં, શહેરી ગુજરાતીઓએ તેનાં પર 9.2 ટકા ખર્ચ કર્યો હતો.