ઠંડી મોડી શરૂ થતા શાકભાજીના ભાવ હજુ પણ ઊંચા! વટાણા, લીંબુ, ટામેટાં 50 થી 80 પ્રતિ કિલો

લોગવિચાર :

રાજકોટમાં ગુલાબી ઠંડી પડવા લાગી છે. સામાન્ય રીતે શિયાળા શાકભાજીની ભરપુર આવક થાય છે શીયાળામાં લીલોત્તરી ખાવાનું ખાસ મહત્વ હોય છે. આથી આ દરમ્યાન કોથમરી, મેથી, પાલકનું વેચાણ વધુ થાય છે. ત્યારે શીયાળાની શરૂઆત થયા બાદ પણ શાકભાજીના ભાવ ઉચા જોવા મળી રહ્યા છે.હજુ 5 દિવસ બાદ ભાવ સામાન્ય થાય તેવી આશા છે.માર્કેટ યાર્ડમાં રોજ શાકભાજીની ભરપુર આવક થઈ રહી છે. અને નીકાલ પણ થઈ રહ્યો છે. પરંતુ શીયાળામાં દર વર્ષે જેવી આવક થાય તેવી હજુ સુધી જોવા મળી નથી પાછતરા વરસાદથી લોકલ પાકને મોટું નુકશાન થયું હતું. જેને પરીણામે નવા પાકની આવક મોડી થઈ છે.

આ દિવસોમાં સામાન્ય રીતે શાકભાજીની મબલક આવક થાય છે.અને પાણીના ભાવે શાકભાજી વહેંચાય પરંતુ હાલ પરિસ્થિતિ અલગ છે.જો કે યાર્ડના વેપારીઓનું કહેવુ છે. નવી આવક શરૂ થતા છેલ્લા 15 દિવસમાં ભાવમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ 15 દિવસ બાદ ભાવ ઘટશે.બટેટામાં પણ નવી આવક શરૂ થઈ છે પરંતુ જુના બટેટાની માંગ વધુ છે.હાલ બટેટાની આવક રાજસ્થાનથી થઈ રહી છે. આ ઉપરાંત ગાજર રાજસ્થાનથી, વટાણાની મધ્યપ્રદેશથી, મરચાની ગુજરાતના અન્ય શહેરોમાંથી આવી રહ્યા છે કોબિજ, ફુલાવર, ગુવાર, સહિતના શાકભાજીની લોકલ આવક છે.

શીયાળામાં શરીરને ગરમાવો મળે તેવા શાકભાજી આરોગવામાં આવે છે. શીયાળામાં સૌથી વધુ ઉંધીયુ દરેક ઘરોમાં બનવા લાગે છે.પરંતુ શાકભાજીના ભાવ વધુ હોવાથી ઉધીયુનો સ્વાદ પણ બગડયો છે. આ ઉપરાંત લીલુ લસણ પણ મોંઘુ છે.યાર્ડમાં લીંબુ રૂ. 15-45 બટેટા, રૂ.20-35,ટમેટા રૂ. 37-45, કોથમરી રૂ.15-35, મુળા રૂ15-25 , રીંગણા રૂ.10-15, કોબીજ રૂ.10-15, ફુલાવર રૂ15-17 , ભીંડો રૂ. 30-40, ગુવાર રૂ.40-60, ચોળા રૂ20-25 , વાલોળ રૂ.15-30, કારેલા રૂ.25-30, વટાણા રૂ.65-80, બીટ રૂ.25-30, મેથી રૂ.15-20,આદુ રૂ.45-50, મરચા રૂ.25-45ના કિલો વહેચાયા હતાં.