દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની વ્હેલીતકે હરાજી થશે : ડીવાયએસપી કક્ષાના અધિકારીને સતા

લોગવિચાર :

ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા, દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય અને તે રાષ્ટ્રીય સંપત્તિ પોલીસ સ્ટેશનમાં પડી પડી ભંગાર ન થાય તે મુખ્ય હેતુ સાથે નશાબંધીના કાયદામાં એવો સુધારો કરાયો છે કે, આ પ્રકારના વાહનોની હરાજી કરશે અને તેનાથી મળેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર સમાજ હિત કે સરકારી યોજનાઓ પાછળ કરશે.

રાજ્યમાં કરોડોના વાહનો ભંગાર થઈ જાય છે, તેનું સૌથી વધુ નુકસાન દેશને થઈ રહ્યું છે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થશે તો, તે વ્યક્તિને તેના વાહનના હરાજીમાંથી મળેલી રકમ વ્યાજ સાથે પરત અપાશે.

આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા DYSP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે કહ્યું કે, દેશમાં આ હરાજીના રૂપિયા સમાજ હિત કે સરકારી યોજના પાછળ વાપરનાર ગુજરાત એક માત્ર રાજ્ય બનશે.

હાલ રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કેટલા વાહનો પડતર છે?
દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા 22,442 વાહનો જપ્ત કરાયા છે. તે પૈકી 72133 વાહનો પોલીસ સ્ટેશન ખાતે પડતર છે. આજની સ્થિતિએ ગુજરાતમાં 300 જેટલી લકઝુરિયસ કાર જપ્ત થયેલી પડી છે.

જપ્ત કરાયેલા વાહનો તેના માલિકો કેમ છોડાવતા નથી?
લાંબા સમય બાદ કોર્ટના આખરી ચુકાદો આવે ત્યારબાદ આ વાહન પરત કરવાનો હુકમ થયા પછી પણ આ વાહન માલિક વાહન છોડાવવા આવતા નથી કારણ કે, લાંબા સમય બાદ વાહનની હાલત ખૂબ જ બિસ્માર થઇ ગઇ હોય છે. જેથી માલિકને તે છોડાવવામાં કોઈ રસ રહેતો નથી. તેથી પણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો ઓછો થતો નથી. આવા જપ્ત કરેલા વાહનોની જાળવણી તેમજ રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ર્ન ઉદભવે છે.

20 લીટરથી વધુ દારૂ પકડાય તેવા વાહનો જ જપ્ત કરાય છે 
આ કાયદો 20 લીટરથી વધારે દારૂ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકસાન હેરાનગતિ ન થાય તે બાબતે સરકારે ધ્યાન રાખ્યું છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બૂટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લવાયું છે.