આવકવેરો ભરવામાં વિરાટ કોહલી નંબર 1 ક્રિકેટર : રૂ. 66 કરોડનો ટેક્સ ચૂકવ્યો

લોગવિચાર :

ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો આઇપીએલ બાદ વધુ નાણા કમાવવા લાગ્યા છે અને પોતાની બ્રાન્ડ વેલ્યુ સતત વધારી છે. તે વચ્ચે વિરાટ કોહલી સૌથી વધુ ઇન્કમટેકસ ભરતો ક્રિકેટર બન્યો છે.

2023-24 વર્ષ માટે વિરાટ કોહલીએ રૂા. 66 કરોડનો આવક વેરો ભર્યો હતો. જયારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની અને સચિન તેંડુલકર ઇન્કમટેકસ ભરવામાં નંબર 2 અને 3 પર છે.

ધોનીએ રૂા. 38 કરોડ અને તેંડુલકરે રૂા. 28 કરોડનો ટેકસ ભર્યો હતો. જોકે બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન આઇટી ભરવામાં નંબર-1 સેલીબ્રીટી સાબિત થયો છે તેને 2023-24ના નાણાકીય વર્ષ માટે રૂા. 92 કરોડનો આવકવેરો ભર્યો છે.

ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો બોર્ડના કોન્ટ્રાકટ ઉપરાંત દરેક મેચ રમવા માટે અલગથી ફી મેળવે છે. જયારે આઇપીએલમાં પણ તેઓ તગડા કોન્ટ્રાકટ ધરાવે છે અને સૌથી વધુ આવક તેમની બ્રાન્ડ વેલ્યુના આધારે થાય છે. જેના આધારે તેઓ એડથી લઇને અલગ અલગ સમારોહમાં હાજરી આપવા સહિતના માર્ગે કમાણી કરે છે.

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાનો હાલનો સૌથી સફળ બેટસમેન સાબિત થયો છે અને તેથી તેની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ મુકવામાં આવી રહી છે. હાલ ક્રિકેટમાંથી બ્રેક લઇને ફેમીલી સાથે લંડનમાં સમય વિતાવી રહેલો વિરાટ કોહલીની કુલ આવક અંગે જોકે આઇટી તરફથી કોઇ સ્પષ્ટતા થઇ નથી.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ 23 કરોડનો આવકવેરો ભર્યો છે. જયારે હાલમાં એકથી વધુ કારણોસર ચર્ચામાં રહેલા ઓલરાઉન્ડ હાર્દિક પંડયાએ રૂા. 13 કરોડનો ટેકસ ભર્યો છે.

શાહરૂખખાન બોલીવુડ ઉપરાંત આઇપીએલમાં કલકતા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝીનો મુખ્ય માલિક છે અને તેથી તે આવક પણ મહત્વની બની રહી છે.