લોગ વિચાર :
ભારતમાં જલવાયુ પરિવર્તનની અસર હેઠળ ગરમીમાં અત્યાધિક વધારો થઈ રહ્યો છે. હીટવેવ-લુ ફુંકાવાના દિવસોની સંખ્યા પણ વધી રહી છે. ચાલુ વર્ષે પણ હીટવેવનાં દિવસો વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
સસ્ટેનેબલ ફયુચર કોલેબરેટીંગ નામક સંસ્થાના રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે, ભારતમાં 11 ટકા વસતી એવા શહેરોમાં વસે છે જયાં હીટવેવનો ખતરો વધુ છે. ભારત સહીત વિશ્વનાં અનેક વૈજ્ઞાનિકોએ મૃત્યુદર પર હીટવેવનો પ્રભાવ વિષય પર સંશોધન કર્યુ હતું.
જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ, પુના, વારાણસી, સિમલા, તથા કોલકતા જેવા 10 શહેરોને સંસોધનમાં સામેલ કરવામાં આવ્યા હતા.જેમાં એવૂ તારણ નિકળ્યુ હતું કે હીટવેવનાં દિવસોમાં મૃત્યુદરમાં 12.2 ટકાનો વધારો થાય છે.
સળંગ બે દિવસ હીટવેવ રહે તો તેમાં 14.7 ટકા તથા ત્રણ દિવસ રહે તો મૃત્યુદરમાં 17.8 ટકા સુધીનો વધારો થાય છે. સળંગ પાંચ દિવસ હીટવેવ રહેવાના સંજોગોમાં મૃત્યુદર 33.3 ટકા સુધી વધવાનું જોખમ છે.
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, જલવાયુ પરિવર્તનની અસરથી 21મી સદીમાં અત્યાધિક ગરમી તતા લુ ફુંકાવાનો વ્યાપ વધતો રહેશે. રાત્રે પણ તાપમાનનો પારો ઉંચો રહેવાની શકયતા છે.રાત પણ ગરમ બનવાનાં સંજોગોમાં માનવ શરીર પર દબાણ વધે છે અને બિમારી તથા મોતનો ખતરો વધી શકે છે.
હીટવેવનાં વધતા દિવસોથી લોકોની કાર્યક્ષમતામાં 15 ટકા ઘટી શકે છે. 48 કરોડ લોકોના જીવનની ગુણવતા પર પ્રભાવ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે એવી ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તનનો પ્રવર્તમાન સિલસિલો ન અટકે તો 2060 સુધીમાં ભારતમાં હીટવેવનાં દિવસોની સંખ્યામાં 12 થી 18 દિવસનો વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉતર પશ્ચિમ ભારતમાં એક મહિના દરમ્યાન ઓછામાં ઓછા ચાર દિવસ હીટવેવ રહી શકે છે. જે હીટસ્ટ્રોકનું કારણ બની શકે છે.
છેલ્લા 10 વર્ષ પૃથ્વી પરના ‘ટોપ-ટેન’ ગરમ વર્ષ બન્યા
વિશ્વ હવામાન સંસ્થાએ 2024 ને અત્યા સુધીનુ સૌથી ગરમ વર્ષ જાહેર કર્યુ છે. સાથોસાથ એમ પણ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષ પૃથ્વી પરના ટોપ 10 સૌથી ગરમ વર્ષ બન્યા છે. છેલ્લા 200 વર્ષોથી હવામાનનો રેકોર્ડ નોંધ રાખવામાં આવે છે.ભુતકાળમાં આવુ કયારેય બન્યુ નથી.
સળંગ 10 વર્ષ સૌથી ગરમ રહ્યા તે બાબત લાલબતી સમાન છે.અત્યાર સુધીનાં ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ ગણવામાં આવે તે 2024 બન્યુ છે. આ દરમ્યાન 1850 થી 1900 ના પાયાના સમય ગાળાની સરખામણીએ સપાટીનાં તાપમાનમાં 1.55 ડીગ્રીનો વધારો થઈ ગયો છે. વાતાવરણમાં વધુ ગરમીથી દુષ્કાળ, વાવાઝોડા, જંગલોમાં આગ જેવી કુદરતી આફતો વધી રહી છે.
પારો 53 ડીગ્રી થતા કલાકૃતિ ઓગળી જશે
જલવાયું પરિવર્તનની અસરથી વર્ષો વર્ષ ઉનાળો આકરો બની રહ્યો છે. લોકોમાં જાગૃતિ સર્જવા માટે ગુરૂગ્રામમાં 1000 ગોલ્ફ બોલ તથા મીણથી એક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે.
જે ગરમીનો પારો 53 ડીગ્રીએ પહોંચતા જ આપમેળે ઓગળી જશે આ કલાકૃતિમાં ધરતી પરથી લુપ્ત થઈ રહેલી પશુઓની 14 પ્રજાતિઓને પણ દર્શાવવામાં આવી છે. આબોહવા પરિવર્તન પ્રતિ લોકોને જાગૃત કરવાનો ઉદેશ છે.