સૌથી વધુ માર્ગ અકસ્માતો ક્યાં થાય છે? સરકાર ખતરનાક સ્થળોની ઓળખ કરે છે

લોગ વિચાર :

ઇન્‍ટરનેશનલ રોડ ફેડરેશન (IRF)એ વર્ષ ૨૦૨૪માં ભારતમાં રોડ અકસ્‍માતની સંખ્‍યામાં ઘટાડો ન થતાં ચિંતા વ્‍યક્‍ત કરી છે. IRFએ કહયું છે કે, ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં ૫ લાખથી વધારે રોડ અકસ્‍માતો થયા છે. જેમાં સ્‍કૂલ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓની આસપાસ ૨૬૦૦૦થી વધુ માર્ગ અકસ્‍માતો થયા છે. રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલયના ડાયરેક્‍ટર જનરલ (રોડ ડેવલપમેન્‍ટ) અને વિશેષ સચિવ ડી. સારંગીએ IRF દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્‍યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું તમામ તબક્કે રોડ સુરક્ષાનું ઓડિટ થવા છતાં રાષ્ટ્રીય મૃત્‍યુદરમાં ઘટાડો થઈ રહયો નથી.

સ્‍કૂલ-કોલેજ નજીક વધારે અકસ્‍માતો સર્જાયા

ઇન્‍ટરનેશનલ રોડ ફેડરેશન (IRF)ના જણાવ્‍યા અનુસાર, વર્ષ ૨૦૨૪ના ઇલેક્‍ટ્રોનિક ડિટેલ એક્‍સિડન્‍ટ રિપોર્ટ (e–DAR) અનુસાર, દેશમાં સર્જાયેલા કુલ ૫.૭ લાખ રોડ અકસ્‍માતોમાંથી ૪.૬ ટકા અકસ્‍માતો કોલેજ અને સ્‍કૂલ વિસ્‍તારમાં સર્જાયા છે. આનો અર્થ એ થયો કે સ્‍કૂલ, કોલેજ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓની આસપાસ વર્ષ ૨૦૨૪માં લગભગ ૨૬,૨૨૦ અકસ્‍માતો સર્જાયા છે. આપને જણાવી દઈએ કે, ઇલેક્‍ટ્રોનિક ડિટેલ એક્‍સિડન્‍ટ રિપોર્ટ સામાન્‍ય રીતે પોલીસ ઘટનાસ્‍થળ પર જ તૈયાર કરે છે.

ડી. સારંગીએ જણાવ્‍યું કે, દેશમાં રોડ અકસ્‍માતનું મુખ્‍ય કારણ ઓવર સ્‍પીડ છે. વાહનોની વધારે સ્‍પીડ ચિંતાનો વિષય હોવાને કારણે રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલય દેશમાં રસ્‍તાઓની ડિઝાઇનમાં ફેરફાર કરી રહયું છે. સારંગીએ એમ પણ કહયું કે, દરેક તબક્કે રોડ સેફ્‌ટી ઓડિટ ફરજિયાત કરવામાં આવી રહયું છે, છતાં માર્ગ અકસ્‍માતો વધી રહયા છે.

સરકાર કરી રહી છે પ્રયાસો

ડી. સારંગીના જણાવ્‍યા અનુસાર, કાં તો અમારા સુરક્ષા ઓડિટર સક્ષમ નથી કાં પછી સલાહકાર એટલા ગંભીર નથી. આ કારણે જ રોડ અકસ્‍માતમાં મૃત્‍યુદર ઘટતો નથી. જોકે, આને પહોંચી વળવા માટે સરકારે અનેક સ્‍તરે પ્રયાસો શરૂ કર્યા છે. રસ્‍તાઓની ડિઝાઇન બદલવામાં આવી રહી છે અને વાહનોની ડિઝાઇન-મજબૂતી પર પણ કામ ચાલી રહ્‍યું છે. સરકારે તમામ પ્રકારની કારમાં ૬ એરબેગ ફરજિયાત કરી છે, જેથી રોડ અકસ્‍માતમાં મૃત્‍યુદર ઘટાડી શકાય.

કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહયું છે કે, ૨૦૨૪માં થયેલા ૫ લાખ માર્ગ અકસ્‍માતોમાં ૧.૮૦ લાખ લોકોનાં મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે આ અકસ્‍માતોમાં ૬૬ ટકા મૃત્‍યુ ૧૮થી ૩૪ વર્ષની વયજૂથવાળા લોકોનાં થયા છે. મતલબ કે અકસ્‍માતનો સૌથી વધુ ભોગ યુવાનો બન્‍યા છે.