ગુજરાતમાં ગુજરાતી માધ્યમની અવદશા માટે કોણ જવાબદાર ?

લોગ વિચાર :

કદાચ માતૃભાષાની બાબતમાં જો કોઈ સહુથી વધુ બેજવાબદાર કે નિસ્પૃહિ પ્રજા હોય તો તે ગુજરાતી છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળા અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ૫ વર્ષમાં ધરખમ ઘટાડો થતો રહ્યો છે. આપણા શહેરની જ વાત લઈએ તો શૈક્ષણિક ક્ષેત્રમાં ધરખમ ગણાતી સંસ્થાઓ પણ આ જ પ્રશ્નનો સામનો કરી રહી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી જુની ધરખમ સંસ્થાએ બે ગુજરાતી શાળા બંધ કરી છે તો બીજી એક-બે મરવાને વાંકે જીવી રહી છે. જીવનભારતી હોય કે ભૂલકાભવન, આ શાળામાં ગુજરાતી માધ્યમનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે.

આ માટે જવાબદાર કોણ? શિક્ષણ વિભાગ, સંચાલકો, શિક્ષકો કે વાલીઓ? અમે માનીએ છીએ આ દરેક જણાએ ગુજરાતી ભાષામાં કોફીનમાં પોતાને ભાગે આવતો ખીલો મારવાનું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે!

સરકારે ગુજરાતી ભાષાના ફેલાવા કે લાયકાત માટે એકાદ દિવસ 'માતૃભાષા દિન' કે પછી ગુજરાતી ભાષા દિવસ જેવા દિવસો ઉજવી પોતાના હાથ ખંખેરી લીધા છે.

સંચાલકો માટે તો જ્યાં 'Bottom Line' સુધરે તે જ મહત્ત્વનું છે. મોટા ભાગના સંચાલકો ''સૂંઠને ગાંગડે ગાંધી'' બન્યા છે. એમને શિક્ષણ કે ભાષા સાથે નહી, પરંતુ કયાંથી પૈસા વધુ મળે તેની સાથે જ નિસબત છે. આજે કે.સી. કે સાર્વજનિક સોસાયટીના સ્થાપક શાહ સાહેબ કે સી. ઝેડ શાહ જેવા નિષ્ઠાવાન સંચાલકો ક્યાં છે? આજના સંચાલકોએ શાળા અને શિક્ષણને ભોગે પોતાનું વજન સમાજમાં વધારવાનો પ્રયત્ન કર્યો છે. એમનું ચાલે તો શાળાના મકાનને વાડી કે ટ્યુશન કલાસ બનાવી દે, જો યોગ્ય રકમ મળતી હોય તો !

વિદ્યાર્થીઓને ચોક્કસ માર્ગદર્શનની જરૂર છે. તોજ એમનામાં રહેલી ક્ષમતા બહાર આવી શકે. એવું પણ નથી કે સર્વત્ર અંધારું છે. દક્ષિણામૂર્તિ જેવી સંસ્થા હજી કાર્યરત છે. થોડા એનજીઓ જેવા કે ગુજરાત કેળવણી મંડળ પણ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરે જ છે. બાકી અંગ્રેજી પાઠ્ય પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરી કે પછી મોડેલ ટેક્સબુકને ગુજરાતી બનાવવાથી ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થવાનો નથી.

આ અંગે આપ સહુ મિત્રો આપના વિચારો જણાવી શકો છો.

હવે પછી આપણે ગુજરાતી ભાષાને ઊજાગર કરવા શું કરી શકીએ તે ચર્ચીશું.