લોગ વિચાર :
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજધાનીની તમામ ૭૦ બેઠકો પર મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, દિલ્હીના ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને લગભગ ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક દિગ્ગજોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો. દિલ્હીવાસીઓ સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. દિલ્હીમાં જંગી મતદાન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
પ્રરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું.આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉમેદવાર મનીષ સિસોદિયાએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના લેડી ઇરવિન સિનિયર સેકન્ડરી સ્કૂલ ખાતે સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું. તેમના પત્ની સીમા સિસોદિયાએ પણ આ મતદાન મથક પર મતદાન કર્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને તેમના પત્ની કયોકો જયશંકરે NDMC સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ તુઘલક ક્રેસન્ટ ખાતે સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમના પત્ની લક્ષ્મી પુરી સાથે આનંદ નિકેતનની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મતદાન કર્યું. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ મોતી બાગ મતદાન મથક પર તેમની પત્ની સાથે મતદાન કર્યું. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે જનપથ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મતદાન કરવા માટે નિર્માણ ભવન મતદાન મથક પહોંચ્યા અને અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના મતદારોને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે, પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી નાસ્તો!
રાષ્ટ્રીય રાજધાની આજે તમામ ૭૦ વિધાનસભા બેઠકો માટે મતદાન કરીને પોતાની નવી સરકારની પસંદગી કરશે. દિલ્હીમાં સ્પર્ધા ત્રિકોણીય છે, જેમાં ૨૦૨૫ની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ મેદાનમાં છે.
અરવિંદ કેજરીવાલની AAP સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે. જ્યારે ભાજપ ૨૭ વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તામાં નથી. ૧૫ વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનાર કોંગ્રેસ દિલ્હી વિધાનસભા પર પોતાનો ખોવાયેલો નિયંત્રણ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહી છે.
દિલ્હીમાં ૧.૫૬ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ ૭૦ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૩,૭૬૬ મતદાન મથકો પર મતદાન થશે, જે ૬૯૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આ સ્પર્ધા રાષ્ટ્રીય રાજધાનીના રાજકીય પરિદૃશ્યને એક નવો આકાર આપી શકે છે.