શા માટે મહિલાઓ પુરૂષો કરતા વધારે ઊંઘે છે?

લોગવિચાર :

માણસે રોજ ૭થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ એ સર્વસામાન્‍ય વાત છે, પરંતુ મુંબઈની ડો. બાબાસાહેબ આંબેડકર સ્‍મારક હોસ્‍પિટલનાં સ્ત્રીરોગનાં નિષ્‍ણાત ડો. સોનમ સિમ્‍પટવાર કહે છે કે પુરુષો કરતાં મહિલાઓને વધુ ઊંઘની જરૂર હોય છે અને એટલે જ ૭-૮ કલાકની નીંદર કર્યા પછી પણ મોટા ભાગની મહિલાઓને વધુ સમય સૂઈ રહેવાની ઇચ્‍છા થાય છે. એક અભ્‍યાસમાં પણ કહેવાયું છે કે મહિલાઓ આખો દિવસ મગજનો વધુ ઉપયોગ કરતી હોય છે એટલે પુરુષો કરતાં વધુ સૂએ છે. નીંદર-નિષ્‍ણાત ડો. નિવેદિતા કુમારના મતે સારા સ્‍વાસ્‍થ્‍ય માટે સારી નીંદર ખૂબ મહત્ત્વની છે. નીંદર સારી આવે તો મસ્‍તિષ્‍ક એનું કામ ઘણું સારી રીતે કરી શકે છે. હૃદય સ્‍વસ્‍થ રહે છે, પાચનક્રિયા સારી રહે છે, ચામડી અને વાળની ગુણવત્તા પણ વધે છે. ઉંમર પણ વધારે છે. આ તો થઈ શારીરિક બાબતો, પણ સારી નીંદરથી લાગણીઓને પણ યોગ્‍ય રીતે નિયંત્રિત કરી શકાય છે. સારું ઊંઘનારા લોકોમાં ચિંતા અને હતાશાનું સ્‍તર ઓછું હોય છે. કામ પણ સારી રીતે કરી શકે છે.

અપૂરતી નીંદર મળતી હોય તો ઓલ્‍ઝાઇમર્સ થાય, મેદસ્‍વી થઈ જવાય કે પછી હૃદયરોગ કે સ્‍ટ્રોક પણ આવે. માણસ જયારે નિદ્રાધીન હોય ત્‍યારે તેના શરીરમાં કોષોનું રિપેરિંગકામ ચાલતું હોય છે. માંસપેશીઓમાં વધારો થતો હોય છે. નવજાત બાળકો અને નાનાં બાળકોને સૌથી વધુ નીંદરની જરૂર પડે છે. સરેરાશ વયસ્‍કે રાત્રે ૭થી ૯ કલાકની નીંદર કરવી જોઈએ અને વૃદ્ધોએ ૭-૮ કલાક સૂવું જોઈએ.