લોગવિચાર :
ગજાનન શ્રીગણેશ એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. ગણપતિ બાપ્પા એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ત્રણ રોચક કથા.
એક કથા એવી છે કે મહર્ષિ વેદ વ્યાસ જ્યારે મહાકાવ્ય મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી કે જે અવિરત લખ્યા કરે અને મહર્ષિને તેમની વાણીને રોકવી ન પડે. ત્યારે રિદ્ધિ-સિદ્ધિના દાતા સ્વયં શ્રીગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી. ગણેશજીએ પોતાનો એક દાંત તોડી તેની જ લેખની બનાવી દીધી હોવાની માન્યતા છે.
ગણેશજીના એકદંત નામ પાછળ ગજમુખાસુર નામના અસુરની કથા પણ જોડાયેલી છે. ગજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય. ઋષિઓ અને દેવતાઓને જ્યારે ગજમુખાસુર ખુબ પરેશાન કરવા લાગ્યો ત્યારે સૌની રક્ષા માટે ગજાનન શ્રીગણેશે સ્વયંનો દાંત તોડ્યો અને અને તેનાથી ગજમુખાસુરનો વધ કરી સૌને ભયમુક્ત કર્યા. ગણેશ પુરાણના ચોથા સ્કંધના સાતમા અધ્યાયમાં વર્ણવિત કથા અનુસાર એકવાર દેવી પાર્વતી અને ભગવાન શિવ જ્યારે શયન કરી રહ્યા હતા.
ત્યારે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા. તે જ સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તિવ્ર ઉત્કંઠા પ્રગટ કરી. પણ શિવજી અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હોઈ ગણેશજીએ તેમને મળવા જતાં અટકાવ્યા. બસ આ જ કારણે પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને ગણેશજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે યુદ્ધમાં પરાજિત થયેલા પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને સ્વયં મહાદેવે આપેલા પરશુ એટલે કે ફરસીથી ગણેશજી પર પ્રહાર કરતાં ગણેશજીનો દાંત તૂટી ગયો અને તેથી ગણેશજી એકદંત કહેવાયા.