દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના રહસ્યમય મોતના મામલામાં મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતની શંકાસ્પદ આત્મહત્યાના થોડા દિવસો પહેલા દિશા સલિયનનું મૃત્યુ થયું હતું, જે આત્મહત્યા હોવાનું કહેવાય છે.
જોકે, દિશાના માતા-પિતાએ કહ્યું કે, તેણે આત્મહત્યા કરી નથી કે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. લગભગ 5 વર્ષથી પેન્ડિંગ રહેલા આ કેસમાં દિશા સાલિયાનના પિતા સતીષ સાલિયાને હવે બોમ્બે હાઈકોર્ટમા અપીલ કરી છે.
દિશાના પિતાએ આ મામલે શિવસેનાના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેના પૌત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે કેસ નોંધવાની હાઈકોર્ટને માંગ કરી છે. તેમની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવતા સતીષ સાલિયાને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની હાઈકોર્ટમાં માંગ કરી છે.
દિશાના પિતા સતીષે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દિશાના મૃત્યુની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આદિત્ય ઠાકરે ઉપરાંત, સતીષે હાઈકોર્ટને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાજે ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાના કોલ રેકોર્ડની તપાસ કરવા પણ કહ્યું છે.
આ સાથે સૂરજ પંચોલી (અભિનેતા આદિત્ય પંચોલીનો પુત્ર), રિયા ચક્રવર્તી (સુશાંતની ગર્લફ્રેન્ડ અને તેને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપી), ફિલ્મ નિર્દેશક ઈમ્તિયાઝ ખત્રી, શૌક ચક્રવર્તી અને આદિત્ય ઠાકરેના સિક્યોરિટી ગાર્ડ હિમાંશુ શિકરેના કોલ રેકોર્ડની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. 3 થી 20 ઓગસ્ટ 2020 સુધીના તમામના કોલ રેકોર્ડની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.