લોગ વિચાર :
ભારતમાં ઉંચા વ્યાજદરના દોર બાદ પાંચ વર્ષે રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો અને વધુ ઘટાડાના સંકેત છે ત્યારે હવે કર્મચારીઓને ઝટકો લાગી શકે છે. પ્રોવિડન્ટ ફંડના વ્યાજમાં ઘટાડો થવાના એંધાણ છે. પીએફ ટ્રસ્ટી બોર્ડની આવતીકાલે યોજાનારી બેઠકમાં આ નિર્ણય થઈ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી ઓફ એમ્પ્લોઈમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની બેઠક આવતીકાલે યોજાશે જેમાં સભ્ય કર્મચારીઓના પીએફના વ્યાજદર વિશે નિર્ણય લેવાશે. 30 કરોડ કર્મચારીઓને વ્યાજદરની અસર થતી હોય છે. નિવૃતિ લાભ તરીકે કર્મચારીઓ દર મહિને પીએફ કપાત કરાવતા હોય છે અને આ રકમ પર વ્યાજ મળતુ હોય છે.
સૂત્રોએ કહ્યું કે, વર્ષ દરમ્યાન પ્રોવિડન્ટ ફંડના દાવામાં વધારો થવા ઉપરાંત શેરબજારની મંદી તથા બોન્ડની આવકમાં ઘટાડાથી વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય થઈ શકે છે.
પ્રોવિડન્ટ ફંડ સંગઠન દ્વારા 2024-25ના નાણાકીય વર્ષ માટેના વ્યાજદરમાં વધારો કરીને 8.25 ટકા કર્યુ હતુ જે આગલા વર્ષમાં 8.15 ટકા હતુ. આવતીકાલે ટ્રસ્ટી બોર્ડની બેઠક પુર્વે ગત સપ્તાહમાં બોર્ડની ઈન્વેસ્ટમેન્ટ કમીટીની બેઠક થઈ હતી તેમાં આવક-જાવકના હિસાબો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કમીટીની ભલામણના આધારે વ્યાજદર વિશેનો નિર્ણય થઈ શકે છે.