લોગ વિચાર :
દિલ્હી સરકાર વર્ષ 2026થી પેટ્રોલ-ડીઝલથી ચાલનારા ટુ વ્હીલરના નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવાનું વિચારી રહી છે. આ નિર્ણય આગામી ઈલેકટ્રીક વ્હીકલ પોલીસ 2.0ના મહત્વનો ભાગ થઈ શકે છે. નવી ઈવીનું લક્ષ્ય રાજધાનીમાં ઈલેકટ્રીક વાહનોમાં અપનાવવામાં તેજી લાવવાનું છે. જો આ નિયમ લાગુ થયો તો ઓગષ્ટ 2026 બાદ દિલ્હીમાં માત્ર ઈલેકટ્રીક સ્કુટર અને ઈલેકટ્રીક મોટરસાયકલ જ ખરીદવામાં આવશે.
નવી નીતિ અંતર્ગત એ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે દરેક ઘરમાં જો ત્રીજી ગાડી ખરીદવામાં આવે તો તે ફરજીયાતપણે ઈલેકટ્રીક વાહન જ હશે, જેથી પેટ્રોલ-ડિઝલ ગાડીઓ પર નિર્ભરતા ઓછી થઈ જશે.
આ ઉપરાંત ઓગષ્ટ 2026થી નવા પેટ્રોલ, ડિઝલ ઓટો રિક્ષાનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવી શકે છે, જેથી દિલ્હીમાં પુરી રીતે ઈલેકટ્રીક ઓટોનું ચલણ વધશે, 10 વર્ષ જૂના સીએનજી ઓટો માલિકોએ કાં તો પોતાની ગાડીઓને ઈલેકટ્રીકમાં બદલવી પડશે અથવા તેને ઈલેકટ્રીક પાવર ટ્રેનમાં અપગ્રેડ કરવી પડશે.
સરકાર આ મોટા ફેરફાર માટે ઈવી ચાર્જીંગ નેટવર્કને પણ મજબૂત કરવા પર કામ કરી રહી છે તેમાં નવી ઈમારતો અને જાહેર સ્થળો પર ચાર્જીંગ પોઈન્ટ ફરજિયાત પણે લગાવવાનું સામેલ છે.