લોગવિચાર :
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચુંટાયેલા ચેરમેન જય શાહે બુધવારે ખાતરી આપી હતી કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન ટેસ્ટ ક્રિકેટના પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરાશે કેમ કે ટેસ્ટ ક્રિકેટ જ આ રમતનો મુખ્ય આધાર છે. તેમણે ક્રિકેટની પ્રગતિમા અવરોધરૂપ અડચણોને દૂર કરવાનો પણ પ્રયાસ કરશે.
35 વર્ષીય જય શાહ હવે બીસીસીઆઈના સેક્રેટરી તરીકેના હોદાનો ત્યાગ કરશે અને પહેલી ડિસેમ્બરથી આઇસીસીના ચેરમેન તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે. હાલના આઇસીસીના ચેરમેન ગ્રેગ બાલેનો કાર્યકાળ એ વખતે પૂર્ણ થનારો છે.
જય શાહે બુધવારે જણાવ્યું હતું કે, ટી20 ક્રિકેટ દેખીતી રીતે જ રોમાંચક ફોર્મેટ છે પરંતુ સાથે સાથે ટેસ્ટ ક્રિકેટ દરેક માટે પ્રાથમિકતા હોય તે એટલું જ મહત્વનું છે કેમ કે તે આપણી રમતનો મૂળ આધાર છે.
આપણે એ જોવાનું રહેશે કે ક્રિકેટર્સ રમતના આ લાંબા ફોર્મેટ તરફ પણ રહે અને અમારા પ્રયાસો લક્ષ્યાંક પાર પાડવાના રહેશે તેમ કહીને જય શાહે ઉમેર્યું હતું કે તેઓ પ્રતિભા શોધ માટે પણ એક અલગ કાર્યક્રમ ઘડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરશે.
તેઓ સમગ્ર વિશ્વમાં રમતના ધોરણોને ઉપર લાવવા માટેના પ્રયાસો કરશે. તેમણે ઉમેર્યું હતું કે, હું એ બાબતની ખાતરી કરાવવા માગું છું કે સમગ્ર વિશ્વમાં ક્રિકેટના સ્ટાન્ડર્ડને ઉપર લાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરીશ.
જેમ જેમ હું આ મહત્વપૂર્ણ ભૂમિકા તરફ આગળ ડગલા માંડું છું તેમ તેમ હું તમારી અપેક્ષાઓને પૂરી કરવા અને ક્રિકેટની આ સુંદર રમત પ્રત્યે મારી જાતને સમર્પિત કરવા માટે પ્રતિબદ્ધ છું.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈની આગામી એજીએમમાં તેમના સેક્રેટરી તરીકેના હોદ્દાનો ત્યાગ કરશે. આ બેઠક આવતા મહિને અથવા ઓક્ટોબરમાં યોજાવાની સંભાવના છે.
આઇસીસીના સર્વોચ્ચ પદ માટે ચુંટાયેલા જય શાહ પાંચમા ભારતીય સંચાલક છે. આ અગાઉ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર આઇસીસીના વડા રહી ચૂક્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ક્રિકેટની રમત ઓલિમ્પિક્સ 2028માં ઐતિહાસિક પદાર્પણ કરી રહી છે ત્યારે આપણે પરિવર્તનશીલ યુગની સાથે ઉભા છીએ. આ પ્રસંગ માત્ર સીમાચિહ્ન નથી પરંતુ આ રમત સાથે સંકળાયેલા તમામ માટે અભૂતપૂર્વ ઐતિહાસિક બાબત પણ રહેલી છે. આ સમયગાળામાં આઇસીસીના આગેવાની લેવી તે મારા માટે ગૌરવપ્રદ બાબત છે.