શિયાળો જોર પકડી રહ્યો છે : નલિયા - ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી

લોગવિચાર :

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારે શિયાળાનો અસલી રંગ દેખાયો હતો અને વિવિધ સ્થળોએ તાપમાન 12 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકોએ આજે સવારે અસલી ઠંડીનો અનુભવ કર્યો હતો.

ખાસ કરીને આજે સવારે રાજયનાં સૌથી ઠંડા શહેરો નલિયા અને ગાંધીનગર રહ્યા હતા. આજે સવારે કચ્છનાં નલિયા ખાતે 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે 24 કલાકમાં 1 ડિગ્રી તાપમાન ગગડયું હતું. આ ઉપરાંત ગાંધીનગર ખાતે ગત તા. 12-4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

જયારે આજે રાજકોટ શહેરમાં ચાલુ સિઝનની સૌપ્રથમવાર તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. આજે સવારે રાજકોટ શહેરમાં 14.6 ડિગ્રી અને પોરબંદરમાં પણ 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ અમરેલીમાં પણ 13.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી અનુભવાઇ હતી.

ઉપરાંત અમદાવાદ 16.6 ડિગ્રી, વડોદરામાં 14.6, ભાવનગરમાં 16.6 તથા ભુજમાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તથા દમણમાં 19.4, ડિસામાં 14.4, દિવમાં 17.6, દ્વારકામાં 21.4, કંડલામાં 18, સુરતમાં 18.4 તથા વેરાવળ ખાતે 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન 3 ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું. વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57.4 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 4.3 કિ.મી. છે.

જયારે ગોહિલવાડ પંથકમાં ઠંડીની ઋતુની અસલ મિજાજ શરૂ થઈ ગઈ હોય તેમ આજે શુક્રવારે શહેરનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં લઘુતમ તાપમાન નીચે સરકતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

આજે લઘુત્તમ તાપમાન ઘટીને  16.6 ડીગ્રી  નોંધાયું હતું. ખાસ કરીને ખુલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઇવે પર લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. ચાલુ સીઝન માં આજનું સૌથી નીચું તાપમાન છે.

આજે સવારે ભાવનગર શહેરમાં વાતાવરણમાં  ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની રહી હતી. તેમજ સામાન્ય રીતે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિત એવી છે કે, સૌથી વધુ ઠંડી આ જિલ્લામાં જોવા મળે છે.

ત્યારે આજે સવારે અમરેલીમાં સિઝનની સૌથી વધુ ઠંડી જોવા મળતાં લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો. સવાર સવારમાં મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો ગરમ કપડામાં જોવા મળતાં હતાં. તો સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી સ્વેટરમાં ઢબુરાયેલા જોવા મળતાં હતાં.

અમરેલી આજે સવારે મહતમ તાપમાન 31.4, જ્યારે લઘુતમ તાપમાન 13.4 નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 68 ટકા જ્યારે પવનની ગતિ 4.8 કી.મી. નોંધાય હતી.