લોગવિચાર :
ગુજરાત સહિત દેશભરમાં હવે જાણે શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાસ્તવમાં દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો હળવો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરનાં સમયે ગરમીને કારણે બેવડી ઋતુની અસર જોવા મળી રરી છે. રાજ્યમાં આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.
જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે.દાસે રાજ્યમાં આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. આ સાથે કહ્યુ છે કે, તાપમાનમાં કોઇ ફેરફાર નહીં નોંધાય. હવામાન વિભાગે કહ્યું છે કે, પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે તમિલનાડુમાં આજે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે, 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.
ગઇકાલે કેવું હતું તાપમાન ?
દિવાળી બાદ રાજ્યમા ઠંડીનો હળવો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અહેસાસ જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન ગઇકાલે એટલે કે સોમવારે પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થયો હતો. મહત્તમ તાપમાન અનેં લઘુતમ તાપમાન સામન્ય કરતા 3 ડિગ્રી ઊંચું અને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું હતુ. જ્યારે લઘુતમ તાપમાન 22 થી 24 ડિગ્રી પહોંચ્યું હતું. આ સાથે અમદાવાદમાં લઘુતમ તાપમાન 23 જ્યારે ગાંધીનગર 22 ડિગ્રી નોંધાયું હતું તો વડોદરા તાપમાન 22 ડિગ્રી જ્યારે કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું અને ભાવનગર 23 ડિગ્રી જ્યારે બનાસકાંઠા 22 ડિગ્રી નોંધાયું હતું.