પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ ગંગૌર વ્રત કરે છે

લોગ વિચાર.કોમ

હિન્‍દુ ધર્મમાં ચૈત્ર મહિનાની નવરાત્રિમાં રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશમાં મહિલાઓ ગણગૌર વ્રત કરે છે. પતિની લાંબી આવરદા માટે થતા આ વ્રતમાં મુખ્‍યત્‍વે શિવ અને પાર્વતીની આરાધના કરવામાં આવે છે. વ્રત માટે મહિલાઓ માટીમાંથી શિવ અને પાર્વતીની ઢીંગલા જેવી મૂર્તિઓ તૈયાર કરે છે અને એને રંગબેરંગી વસ્રો અને આભૂષણોથી સજાવે છે. સજાવેલી મૂર્તિઓને વાજતે-ગાજતે ઘરમાં લાવીને સ્‍થાપના કરે છે અને પૂજા-પાઠ અને ઉપવાસ કરીને વ્રત પાળે છે. વ્રત પૂરું થતાં ગણ અને ગૌરની મૂર્તિનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવે છે. મધ્‍ય પ્રદેશના ભોપાલ અને રાજસ્‍થાનના બિકાનેરમાં આ વ્રત ધામધૂમથી મનાવાયું હતું.

બિહારમાં મંગળવારે સવારે નહાઈ-ધોઈ, ખાઈને પૂજા કરીને ચૈત્ર મહિનાની છઠનો પ્રારંભ શરૂ થયો હતો. ગઈ કાલે શ્રદ્ધાળુઓનો ૩૬ કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થયો એ પહેલાં મહિલાઓએ પૂજા કરીને એકબીજાનો સુહાગ અમર રહે એ માટે સિંદૂર લગાવ્‍યું હતું. સાંજે સમાપન થયું હતું. આવતી કાલે સૂર્યને અર્ઘ્‍ય આપીને આ વ્રતનું સમાપન થશે.

આસામમાં નવા વર્ષની ઉજવણી માટે દરેક મહિલા બનાવે છે જાતે વણેલું ગમોસા વસ્ર : એપ્રિલ મહિનામાં આસામીઝ પંચાંગ મુજબ નવા વર્ષનો પહેલો મહિનો શરૂ થાય છે. એ ફેસ્‍ટિવલ પહેલાં અલગ-અલગ વિધિઓ થાય છે. એમાંથી એક વિધિ છે રોન્‍ગાલી બિહુ ફેસ્‍ટિવલ. આ ઉત્‍સવમાં હાથે વણેલી કોરી સાડી પહેરવાનું માહાત્‍મ્‍ય છે. આ માટે મહિલાઓ ગમોસા તરીકે ઓળખાતી લાલ રંગના બૉર્ડરવાળી સફેદ સાડી જાતે જ વણે છે.