લોગવિચાર :
શહેરમાં પાલિકા, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાધા યાદવ પણ વડોદરામાં પાણીમાં ફસાઈ ગયા હતા.
રાધા યાદવે જણાવ્યું કે, તેઓ પૂરમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. રાધા યાદવે એક વીડિયો શેર કરીને NDRFની ટીમનો આભાર માન્યો છે.
રાધા યાદવે લખ્યું છે કે, ’અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર.’ 24 વર્ષીય રાધા યાદવે ભારતીય મહિલા ટીમ માટે 4 વનડે અને 80 T20 મેચ રમી છે.
આ દરમિયાન તેમણે કુલ 91 વિકેટ ઝડપી હતી. તેઓની આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ પસંદગી કરવામાં આવી છે. મહિલા T20 વર્લ્ડ કપ 3થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં યોજાવાનો છે.