હવે શેરબજારમાં ગુજરાતની મહિલાઓ રોકાણમાં આગળ : બે વર્ષમાં 59%નો વધારો

લોગવિચાર :

ગુજરાત એ ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ તરીકે જાણીતું છે અને અહી શેરબજારમાં રોકાણ કરનારાઓ દેશમાં અગ્રણીઓ છે પણ હવે ગુજરાતી મહિલાઓ પણ રોકાણકાર તરીકે નામના મેળવી રહ્યા છે અને રાજયમાં મહિલા રોકાણકારની સંખ્યા પ્રથમ વખત 25 લાખને પાર થઈ ગઈ છે અને તે 27.4% વધી છે.

નેશનલ સ્ટોક એકસચેંજના ડેટા મુજબ 2022 બાદ ગુજરાતમાં મહિલા રોકાણકારની સંખ્યામાં 59%નો મોટો વધારો થયો છે. સામાન્ય રીતે ગુજરાતી મહિલાઓ તેમની નાની બચત સાડીઓના થપ્પા વચ્ચે રાખતી હોય છે. થોડી વધે તો બેન્કમાં બાંધી મુદત થાપણ કરાવે છે અને તેઓએ બચત વધે તો પછી સોનું ખરીદે છે.

જો કે હવે સોનાનો ભાવ તો પહોંચ બહાર ચાલ્યો ગયો છે અને તેથી આ નાણા શેરબજારમાં રોકાઈ રહ્યા છે. ખાસ કરીને આઈપીઓમાં લીસ્ટીંગ ગેઈન એ વ્યાપક ચર્ચાનો વિષય બન્યા બાદ મહિલા રોકાણકારોનો શેરબજારમાં રસ વધ્યો છે.

2022ના અંતે ગુજરાતમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા જે 59.6 લાખ હતી તેમાં મહિલા રોકાણકારોની સંખ્યા 16.18 લાખ હતી જે 2024ના ઓકટોબર માસના આંકડા મુજબ રાજયમાં કુલ નોંધાયેલા રોકાણકારની સંખ્યા 93.65 લાખ થઈ છે અને તેમાં મહિલા રોકાણકારોની સંખ્યા 25.66 લાખ નોંધાઈ છે. જો કે દેશભરમાં હવે શેરબજારમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધી છે.

દેશમાં 2022ના આંકડા મુજબ મહિલા રોકાણકારોની સંખ્યા જે 22.6% હતી તે 2024ના ઓકટો.ના આંકડા મુજબ 23.9% થઈ છે. મહારાષ્ટ્રમાં તે સંખ્યા 27.7% છે જયારે દિલ્હીમાં 29.8% અને તામિલનાડુમાં 27.5% છે. આમ ગુજરાત ચોથા ક્રમે આવે છે. બિહારમાં 15.4%, ઉતરપ્રદેશમાં 18.2% અને ઓડિસામાં 19.4% મહિલા રોકાણકાર છે.

આમ નાણાકીય બજારમાં મહિલામાંજ વધતી ભાગીદારી એ એક સારી નિશાની ગણવામાં આવે છે. મહિલાએ આઈપીઓમાં તેના બચતના નાણા રોકે છે અને ધીમે ધીમે તે ઈકવીટી માર્કેટમાં પણ રોકાણ માટે આગળ આવે છે.