ગુજરાતમાં મહિલાઓને ફેક્ટરીઓમાં 'રાત્રિ શિફ્ટ' કામ કરવાની મંજૂરી આપવામાં આવશે

લોગવિચાર.કોમ

ગુજરાત મહિલાઓ માટે સલામત રાજય હોવાનું નિશ્ચિત થયા બાદ હવે રાજય સરકાર ફેકટરી અને વ્યાપાર ધંધાના સમયે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની મંજુરી આપશે. જો કે તે માટે અગાઉથી જ ફેકટરી સહિતના યુનિટો માટે શરતો અને મહિલાલક્ષી ખાસ સુવિધા પણ ઉભી કરવાનું ફરજીયાત બનાવાશે.

હાલ સવારે છ થી સાંજના 7 સુધી મહિલાઓને કામકાજ માટે પાળીઓ ફાળવવાની છુટ છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો એક વટહુકમ રાજય સરકાર બહાર પાડવા જઈ રહી છે અને તે કાનૂન મંત્રાલયની મંજુરી બાદ બહાર પાડવામાં આવશે.

જેને માટે ફેકટરી એકટમાંજ સુધારો કરવામાં આવશે. હાલ આ કાનૂનની કલમ 66 મુજબ સવારે 6થી સાંજના 7 સુધીજ મહિલાઓને ફેકટરીમાં કામે રાખી શકાય છે. આ માટેની શરતોમાં મહિલાઓ જયાં કામ કરતી હોય અને તેઓને અવરજવર કરવાના હોય તે તમામ સ્થળો પર લાઈટીંગની પુરી વ્યવસ્થા ફરજીયાત આવશે અને જનરેટરનું બેકઅપ પણ ફરજીયાત હશે.

ઉપરાંત તે સ્થળો પર સીસીટીવી પણ ફરજીયાત હશે. સ્થળ પર સ્વચ્છતા તથા સરળતાથી આવાગમન કરી શકાય તે નિશ્ચિત કરવાનું રહેશે. મહિલાઓને 10-10ના ગ્રુપમાં કામે રાખી શકશે. 10થી ઓછા મહિલાઓની નાઈટ શીફટની છુટ નહી હોય.

આ ઉપરાંત મહિલાઓને લાવવા- લઈ જવા પુરતી ટ્રાન્સપોર્ટેશન અને તેમાં મહિલા માર્શલની વ્યવસ્થા જરૂરી બનશે. બે શિફટ વચ્ચે 12 કલાકનો રેસ્ટપીરીયડ પણ ફરજીયાત છે.

નાઈટ શીફટમાં કામ કરવા માટે મહિલાઓની સ્વૈચ્છીક મંજુરી લેવાની જરૂરી છે તથા જે તે કામકાજના સ્થળે મહિલાઓની ફરિયાદ સંબંધી કમીટી જેમાં બહુમતી મહિલાઓ હોય તે નિશ્ચિત કરવું પડશે.