લોગ વિચાર :
મહિલા એશિયા કપની 5મી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પહેલા બેટ અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું અને UAEને 78 રનના વિશાળ અંતરથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લીધું છે. હવે ભારત તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ નેપાળ સામે 23 જુલાઈએ રમશે.
UAE સામેની જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. તેના ખાતામાં ચાર પોઈન્ટ છે અને નેટ રન રેટ +3.386 છે. નેપાળ બે પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. UAE અને પાકિસ્તાને હજુ ખાતું ખોલ્યું નથી.
રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દામ્બુલા ખાતે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિકેટકીપર રિચા ઘોષે પણ તોફાની રીતે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. UAE માટે કવિશા અગોડેગેએ ચાર ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે સૌથી સફળ બોલર હતી.
ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે મહિલા ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 200ના આંકને સ્પર્શ કર્યો હોય. જવાબમાં UAEની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 123 રન બનાવી શકી હતી.